સુરત મ્યુનિ.ને કોરોના સામે લડવા એન્વાયરો કન્ટ્રોલનું 1.05 કરોડનું દાન

કોરોના વાઈરસ સામે લડવા એન્વાયરો કન્ટ્રોલ એસોસીએટસ ઈન્ડિયા પ્રા.લીના ડો.આનંદ વશીએ સુરત મહાનગરપાલિકાને રૂ. 1.05 કરોડનું દાન આપ્યું છે. જેનો ચેક તેમણે સુરતના કમિશનર બન્છાનિધિ પાનીને આપ્યો છે. આ રકમમાંથી કોરોના વાયરસના દર્દીઓ માટે વધુ બેડ ઉપલબ્ધ કરાવાશે તેમજ મેડીકલ કીટ, વેન્ટીલેટરની ખરીદી કરાશે.

સુરતની એન્વાયરો કન્ટ્રોલ નામની જાણીતી કંપની સુરત મ્યુનિનો 150 MLDનો ચોખ્ખા પાણીનો પ્લાન્ટ ચલાવે છે. તેમજ ગટરના પાણીને ટ્રીટ કરવા માટેના STP ચલાવે છે. ઉપરાંત રોજનું 40 મીટર ક્યુબિક ગટરના પાણીને રિસાયકલ કરીને ચોખ્ખા પાણીમાં રૂપાંતરિત કરે છે જે પાણી ઈન્ડસ્ટ્રીમાં વાપરવા માટે અપાય છે.

600 જેટલા કર્મચારીઓ તેમની કંપનીમાં હાલ કાર્યરત છે. તેમણે જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓના સ્ટૂલમાં રહેલા કોરોનાનો વાયરસ 20થી27 દિવસ જીવતો રહે છે એવું સશોધન ચીન અને નેધરલેન્ડે કર્યું છે તેથી STP પર કામ કરી રહેલા કર્મચારીઓનું અમારે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે.