2020માં 1.89 કરોડ ભારતીઓએ નોકરી ગુમાવી 40 કરોડ હિન્દુસ્તાની ગરીબી રેખા નીચે ધકેલાયા

દેશમાં 116 ખેડૂત, ખેતમજૂર અને 38 બેરોજગાર રોજ આત્મહત્યા કરવા મજબુર બન્યા: ડૉ. મનિષ દોશી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે ત્યારે તેમની સારા સ્વાસ્થ્યની શુભકામનાઓ સાથે ચૂંટણી પ્રચાર સભામાં દેશના યુવાનોને દર વર્ષે ૨ કરોડ નવી નોકરી-રોજગાર સર્જનના વાયદા-વચન જુમલાને યાદ કરાવતા, બેરોજગારીની વ્યાપક સમસ્યા અંગે ચિંતીત ભારતીય તરીકે સવાલ પુછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, “દર વર્ષે બે કરોડ નોકરી સર્જનના વાયદા સાથે સત્તામાં આવનારા મોદી સરકારે છ વર્ષમાં 12 કરોડને નોકરી ના વચનનું શું થયું ? વૈશ્વિક મહામારી કોરોનાના સમયે આયોજન વગર કરેલ લોકડાઉનને કારણે ચાર મહિનામાં ૧.૮૯ કરોડ ભારતીય યુવાનોએ નોકરી ગુમાવી. સી.એમ.આઇ.ઇ.ના અહેવાલના આંકડા ઘણાં ચોંકાવનારા છે.

જેમાં 3.60 કરોડ બેરોજગાર યુવાનો જે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પી.એચ.ડી., એમ.બી.એ., એન્જીનીયરીંગ જેવી ઉચ્ચ લાયકાત ધરાવતાં છે તેમની પાસે રોજગાર નથી તેવા યુવાનો નોકરી માંગી રહ્યાં છે. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના જન્મ દિવસને જ્યારે સોશ્યલ મીડીયામાં “રાષ્ટ્રીય બેરોજગારી દિવસ” ટ્રેન્ડ થઈ રહ્યું છે ત્યારે “ભાજપની નિયતમાં ખોટ છે અથવા અમલવારીમાં ખોટ છે. જેનો ભોગ ભારતના યુવાનો બની રહ્યાં છે. રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ 1,03,769 નોકરી ગ્રુપ ડી માટે જાહેરાત આપી હતી. જેમાં 1.16 કરોડ યુવાનોએ અરજી કરી છે. 500 કરોડ રૂપિયાથી વધુ એકઠા કર્યા છે. બીજી વખત 64,371 જગ્યા માટે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડએ અઢી વર્ષ પહેલાં જાહેરાત આપી હતી. 9 મહિના પહેલાં પરિણામ આવ્યું છે. ભયાનક આર્થિક મંદીનું સત્ય 40 કરોડ હિન્દુસ્તાની ગરીબી રેખા નીચે ધકેલાઇ રહ્યાં છે. કેન્દ્ર સરકારે ૨૫૦૦ કરોડ રૂપિયા પરીક્ષા ફી પેટે દેશના યુવાનો પાસેથી વસુલ્યા.

નેશનલ ક્રાઇમ બ્યુરોના 2019ના આંકડાઓ મુજબ 10,335 બેરોજગારી આર્થિક પરેશાનીથી આત્મહત્યા કરવા મજબૂર બન્યાં છે. તેની પાછળનું કારણ પણ રોજગારી અને નોકરી છૂટી જવાનું આવ્યું છે. દેશમાં 116 ખેડૂત, ખેતમજૂર અને 38 બેરોજગાર રોજ આત્મહત્યા કરે છે. તે ચિંતાનો વિષય છે. આમ છ વર્ષમાં મોદીજીના માત્ર વાયદા, જુમલા, મન કી બાત, પેટ મેં રોટી નહીં, હાથ મે કામ નહીં, ઘર મે આરામ નહીં જેવી સ્થિતિ છે. સરકાર ઊંઘી રહી છે. ૮૦ લાખ નાગરિકોએ ઈ.પી.એફ.ઓ. માંથી ૩૪,૦૦૦ કરોડ કરતા વધુ નાણાં ઉપાડી લીધા. ગુજરાતમાંથી ૨૧૧૭ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા.

વર્ષ 2004માં બાજપાઈજીના શાસનકાળ દરમ્યાન 38 ટકા ગરીબી દર હતો. 10 વર્ષના દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ અને UPAના ચેરપર્સન શ્રીમતિ સોનિયા ગાંધીના શાસનમાં 2014માં સરકાર છોડી ત્યારે દેશમાં ગરીબી દર 21.9 ટકા હતો. એટલે કે 16 ટકા ગરીબી નીચે આવી. 14 કરોડ દેશના આવા ગરીબ ભાઇ બહેનો ગરીબી રેખામાંથી મુક્ત થઇ 40 કરોડ મધ્યમ વર્ગની સંખ્યા થઇ. કોંગ્રેસના 10 વર્ષમાં 16 કાર્યક્રમો ચલાવ્યાં હતાં. 12મી પંચવર્ષીય યોજનામાં 15.5 લાખ કરોડ રૂપિયા આ ગરીબી ઊન્મૂલન કાર્યક્રમમાં ખર્ચાયા હતાં. માત્ર મનરેગા કાર્યક્રમમાં 100 દિવસ કામ સુનિશ્ચિમત થયું હતું.

ભાજપ સરકારમાં સરકારી નોકરી – રોજગારના નામે ગુજરાતના યુવાનો સામે થયેલ છેતરપીંડી – અન્યાય અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકાર ચાર વર્ષથી શિક્ષકોની ભરતી અટકાવી દીધી છે. ટેટ-ટાટ પાસ થયેલા ૫૦ હજાર જેટલા યુવાન – યુવતીઓ શિક્ષક તરીકે નોકરીની તકની રાહ જોઈ રહ્યા છે. “શિક્ષક વગરની શાળા”, “શાળા વગરનું ગામ”, ભાજપ સરકારની નિતી રહી છે. ચાર વર્ષથી કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી ચિત્ર, ભાષા અને શારીરિક શિક્ષણના શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી.

ગુજરાતની ભાજપ સરકાર ના અણઘડ વહિવટને પરિણામે ગુજરાતનો યુવાન બેરોજગાર બન્યો છે. રાજ્યમાં 50 લાખથી વધુ યુવાનો બેરોજગાર છે. ગુજરાતના 23 જેટલા વિવિધ સરકારી વિભાગોની ભરતી પ્રક્રિયામાં પેપર ફુટવા, મેરીટમાં ગોલમાલ, પાછલા બારણે મળતીયાઓને ગોઠવવા, પરિણામમાં વિલંબ, વિસંગતતા અને અન્યાયકર્તા પરિપત્ર, જેવા નિર્ણયોને કારણે 38,000થી વધુ ભરતી ખોરંભે ચઢી છે. ગુજરાતમાં બેરોજગારીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના ૪.૫૦ લાખ શિક્ષિત બેરોજગારો અને ન નોંધાયેલા હોય તેવા ૩૦ લાખ જેટલા બેરોજગાર યુવાનો ભાજપ સરકારની યુવાન વિરોધી નિતીને કારણે નોકરીની રાહ જોઈ રહ્યા છે. રાજ્યની ભાજપ સરકાર ભરતી પ્રક્રિયાના નામે 100 કરોડથી વધુ ઉઘરાવી લીધા છે. ત્યારે દેશના પ્રધાનમંત્રીના જન્મદીને ભાજપ સરકાર ગુજરાતના યુવાનોની અટકાવેલી ભરતી પ્રક્રિયા તાત્કાલીક શરૂ કરી ગુજરાતના યુવાનોને ન્યાય આપે.