Video: જરૂર પડે ત્યારે 1300 ફિઝિશીયન-નિષ્ણાંતો ખાનગી તબીબોની સેવાઓ સરકારને મળશે

કોરોનાની સ્થિતીમાં સેવા-સુવિધા ત્વરિત મળે તે માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતી

IMA જિલ્લા પ્રતિનિધિ અગ્રણી તબીબોનો સમિતિમાં સમાવેશ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યુ છે કે, રાજ્યમાં કોરોના વાયરસ કોવિડ-19 ની વર્તમાન સ્થિતીમાં દરેક જિલ્લામાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં IMAના જિલ્લા પ્રતિનિધિ અને અગ્રણી તબીબની સંકલન સમિતીની રચના કરવામાં આવશે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કોરોના વાયરસ સામેનો જંગ સરકાર, સમાજ અને તબીબી જગત તથા પેરામેડિકલ સૌના સહયોગથી આપણે જીતવો જ છે. રાજ્યમાં હાલની સ્થિતીએ કોરોનાનો વ્યાપ તીવ્ર થયો નથી પરંતુ જો સ્થિતી વિકટ બને તો જરૂરિયાત મુજબ આવા ખાનગી તબીબોની સેવાઓ, તબીબી માનવસંશાધન, તજ્જ્ઞતા જરૂરતમંદ વ્યકિતઓને મળી રહે તે હેતુથી આ સંકલન સમિતીની રચના કરી છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં આના પરીણામે ૧૦૦૦ જેટલા ખાનગી ફિઝીશયન્સ, ફેફસા રોગ નિષ્ણાંત અને ૩૦૦ જેટલા એનેસ્થીયસ્ટીસની સેવાઓ જરૂરિયાત મુજબ મળતી થવાની છે.

વિજયભાઇ રૂપાણીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રહેલા ખાનગી તબીબો, ઇન્ડીયન મેડીકલ એસોસિયેશનના અગ્રણીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદ બેઠક યોજીને કોરોનાની આ વૈશ્વિક મહામારી સામેની લડાઇમાં ખાનગી ક્ષેત્રના તબીબોના સૂચનો-મંતવ્યો મેળવ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો પંકજકુમાર, ડૉ. રાજીવકુમાર ગુપ્તા, ડૉ. જ્યંતિ રિવ, અશ્વિનીકુમાર અને IMAના પ્રેસિડેન્ટ ડૉ. કેતન દેસાઇ તથા ડૉ. કમલેશ ઉપાધ્યાય આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીના સચિવ અશ્વિનીકુમારે આ બેઠકમાં મુખ્યમંત્રીએ લીધેલા અન્ય મહત્વના નિર્ણયોની ભૂમિકા પ્રચાર માધ્યમોને આપી હતી.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્યકક્ષાએ પણ આરોગ્ય વિભાગના અને કોરોના વાયરસની કામગીરી સાથે સંકળાયેલા વરિષ્ઠ સચિવો તેમજ IMAના અગ્રણી સભ્ય તબીબોની સંકલન સમિતીની રચના કરી નિયમીતપણે ચર્ચા-સંવાદ થાય અને પ્રવર્તમાન સ્થિતીના સંદર્ભમાં જરૂરી કાર્યવાહિનું સંકલન થાય તેવી સૂચના આરોગ્ય વિભાગને આપી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યના ખાનગી તબીબો પોતાના કલીનીક, દવાખાનાઓમાં OPD શરૂ કરે તેવી અપિલ કરતાં ઉમેર્યુ કે પરંતુ જો સારવાર લેવા આવનારા દરદીઓમાં કોઇને પણ કોરોનાના લક્ષણો જણાય તો તુરત જ તેવા દરદીને નજીકની સરકારી હોસ્પિટલ અથવા કોરોના કોવિડ-19ની ડેડીકેટેડ હોસ્પિટલમાં રિફર કરે તેવી તાકીદ કરી હતી.

વિજય રૂપાણીએ ખાનગી ક્ષેત્રના આવા તબીબોની આરોગ્યરક્ષા માટે PPE હેલ્થ કિટ, N-95 માસ્ક મળી રહે તેની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે તેમ પણ આ બેઠકમાં જણાવ્યું હતું.અશ્વિનીકુમારે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્યમાં હાલની સ્થિતીમાં સરકાર સાથે ખભેખભા મિલાવી સેવાઓ આપવા તત્પર રહેલા ખાનગી ક્ષેત્રના તબીબો, પેરામેડિકલ્સની સેવાની સરાહના કરી હતી.

તેમણે આવા સેવાકર્મીઓને રક્ષણ આપવા તેમજ જરૂરી આરોગ્યરક્ષા સાધનો આપવાની રાજ્ય સરકારની નેમ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીના સચિવે કહ્યું કે, વિજય રૂપાણીએ કોરોના વાયરસની સ્થિતીનો વ્યાપ વધે અને વધુ વિસ્તારોમાં તબીબી સેવાઓની જરૂર પડે તો વડોદરાના ખાનગી તબીબો, ફેફસા રોગ નિષ્ણાતો છોટાઉદેપૂર અને નર્મદામાં તથા સૌરાષ્ટ્રના બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લામાં રાજકોટ IMAના તબીબોની સેવાઓ મળી રહે તેવા આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે ઉમેર્યુ કે, મુખ્યમંત્રીએ આ વિડીયો કોન્ફરન્સની સફળતા રૂપે રાજ્યના સૌ નાગરિકોને ભરોસો અને વિશ્વાસ આપ્યા છે કે લોકો ચિંતામુકત રહે કોઇ પણ સ્થિતીને પહોચી વળવા સરકાર, તબીબો અને પેરામેડિકલ્સ સજ્જ છે અને મદદ માટે સદાય તત્પર છે.

રાજ્યમાં ગુરૂવારે ૧૯૩.૩૪ લાખ લિટર દૂધની આવક અને ૪૬.પ૪ લાખ લિટરની ખપત રહી છે. ૯ર,૬૬૯ કવીન્ટલ શાકભાજીનો આવરો થયો છે તેમાં ર૬,ર૪૦ કવીન્ટલ બટાકા, ૧ર,૪૦૭ કવીન્ટલ ડુંગળી, ૯,૧૬૧ કવીન્ટલ ટામેટા અને ૪૪,૮પ૯ કવીન્ટલ લીલા શાકભાજીનો સમાવેશ થાય છે. ફળફળાદિની આવક ૧૯,પ૬૯ કવીન્ટલ છે.મુખ્યમંત્રીશ્રીના સચિવે એમ પણ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૩ લાખ ૩૦ હજાર જેટલા ફૂડપેકેટસનું જરૂરતમંદોને વિતરણ કરવામાં આવ્યું છે.

આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો તથા જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોચાડતા ફેરિયા, નાના વેપારી વગેરેને અવરજવર માટે ર લાખ ૮૮ હજાર પાસ ઇસ્યૂ કરાયા છે.તેમણે રાજ્ય હેલ્પલાઇન ૧૦૭૦ પર અત્યાર સુધી ૫૨૮૧ અને જિલ્લા હેલ્પલાઇન ૧૦૭૭ પર ર૪,૩૩૧ કોલ્સ મેડીકલ સર્વિસીસ, દવાઓ, નાગરિક સુવિધાલક્ષી બાબતો, દૂધ વગેરેના પુરવઠા સંદર્ભે મળ્યા છે અને સંબંધિત તંત્રવાહકોએ જરૂરી કાર્યાવહિ કરી છે.