ભરૂચ જિલ્લામાં રૂ.4187 લાખના ખર્ચે 1793 કામો મંજૂર: પ્રદિપસિંહ જાડેજા

ભરૂચ જિલ્‍લા આયોજન મંડળની બેઠક જિલ્લા પ્રભારી મંત્રી અને ગૃહ રાજયમંત્રીની અધ્યક્ષતામાં વિડિયો કોન્‍ફરન્‍સથી યોજાઇ

ભરૂચ જિલ્‍લા આયોજન મંડળની બેઠક જિલ્‍લા પ્રભારી મંત્રી અને ગૃહ રાજય મંત્રી પ્રદિપસિહ જાડેજાના અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતેથી વિડિયો કોન્‍ફરન્‍સના માધ્યમ દ્વારા યોજાઇ હતી. જેમાં તેમણે જિલ્લા આયોજન હેઠળ કરવાના કામો વધુ ગુણવત્તાસભર અને પ્રજાહિતનને વધુ ઉપયોગી થાય તે રીતે આયોજન કરવા વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી.

જિલ્‍લા પ્રભારી મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, અત્‍યારની સાંપ્રત અને તાકીદની પરિસ્‍થિતિને ધ્યાને લઇ કોરોના વાયરસ સામેનો જંગ જીતવા જિલ્‍લા વહિવટીતંત્ર દ્વારા સરકારના દિશા-નિર્દેશો તેમજ સૂચનાઓનું પાલન થાય, પ્રજાજનો નિયમિત માસ્‍ક પહેરે, સોશ્યલ ડિસ્‍ટન્‍સ જાળવે, ધાર્મિક કાર્યકમોમાં પણ રાજય સરકારની સૂચનાઓ અને માર્ગદર્શનનું યોગ્ય પાલન થાય તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે. જેથી જિલ્‍લામાં આ કોરોનાના સંક્રમણનો ફેલાવો અટકાવી શકાય. ઉપરાંત, ગૃહમંત્રીશ્રીએ આયોજનમાં મંજૂર થયેલ કામો નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેનું અંગત રીતે ધ્યાન રાખવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.

ગૃહ રાજય મંત્રી જાડેજાએ ભરૂચ જિલ્લા આયોજન મંડળના રૂ. ૧૨૮૭.૫૦ લાખના ૫૪૩ કામો અનેએટીવીટીના રૂ.૧૧૫૦ લાખના ૫૫૭ કામો તથા આદિજાતિ ગુજરાત પેટર્ન યોજના હેઠળ રૂ.૧૭૫૦ લાખના ખર્ચે ૬૯૩ કામો મંજૂર કરતાં કહ્યુ હતુ કે, આ કામો ગુણવત્‍તાસભર થાય તેમજ કરેલા કામો પ્રજાજનોને ઉપયોગી થાય તે જોવા ભારપૂર્વક અપીલ કરી હતી. જે કામો મંજૂર કર્યા છે તે માટે ગામડાના કારીગરોનો મહત્તમ રોજગારી મળી રહે તે માટે ખાસ તકેદારી રાખવા જણાવ્‍યું હતું, જેથી કરીને ગામડાના કારીગરોને રોજીરોટી મળે અને ગામડાનું અર્થતંત્ર સધ્ધર થાય. ભરૂચ જિલ્લામાં રૂ.૪૧૮૭ લાખના ખર્ચે ૧૭૯૩ કામો મંજૂર કરવામાં આવ્યા છે.