ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે લડતા 20 ભારતીય જવાનો સાથે બર્બરતા આચરાઈ હતી

શહીદ થયેલા જવાનોના મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ જાણકારી મળી

ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે લડતા 20 ભારતીય જવાનો શહીદ થયા. તેમના પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે ભારતીય જવાનોનાં શરીરમાં ઊંડા ઘા છે. કેટલાક જવાનોનાં મોત નદીમાં પડી જવાથી હાઈપોથર્મિયા (શરીરનું તાપમાન ઘણું જ ઓછું થઇ જવું) અને શ્વાસ રૂંધાવાથી થયા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે લહેની એસએનએમ હૉસ્પિટલમાં જવાનોનાં મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતુ.

સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે, શહીદોનાં શરીરનાં અંગો પર ઘણા ઊંડા ઘાનાં નિશાન હતા જે જણાવે છે કે તેમની સાથે બર્બરતા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચીની સેનાઓએ ખીલાવાળા લોખંડનાં ડંડાઓથી ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, લગભગ 17 જવાનોનાં શરીર પર ઇજાનાં ઊંડા નિશાન છે. અધિકારી હૉસ્પિટલમાં હાજર છે અને સેના બેઝને જવાનોનાં મૃતદેહની તસ્વીરો ક્લિક ના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કર્નલ સંતોષ બાબૂ સહિત ત્રણ જવાનોનાં શરીર પર ઇજાનાં કોઈ નિશાન નહોતા, પરંતુ તેમના માથામાં કોઈ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.

એક બીજા અધિકારીએ જણાવ્યું કે, સંભવત રીતે ત્રણનાં મોત ડૂબવાથી થયા છે. જો કે બાકીનાં જવાનોનાં શરીર પર ખીલાવાળા હથિયારનાં ઇજાનાં નિશાન હતા. ત્રણ જવાનોનાં ચહેરાને ક્ષત-વિક્ષત કરવામાં આવ્યા હતા. તેઓ ઓળખાતા પણ નથી અને ત્રણ અન્ય જવાનોનાં ગળા કાપ્યા હોવાનાં નિશાન છે.

અધિકારીએ જણાવ્યું કે, “એવું લાગી રહ્યું છે કે નખ લગાડ્યા હોય. ચીની સૈનિકો પાસે ચાકૂ પણ હતા. કેટલાક જવાન નદીમાં પડી ગયા હતા, જે ઘણી ઊંચાઈ પર છે. 14,000 ફૂટની ઊંચાઈ પર ગલવાન ખીણની થીજાવી દેનારી ઠંડી અને દુર્ગમ ક્ષેત્રમાં મદદ ના મળવાના કારણે પણ સૈનિકોનાં જીવ ગયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, 12 જવાનોનાં મોત હાઇપોથર્મિયા અને શ્વાસ રૂંધાવાથી થયા હતા.