શહેરની વધુ 8 ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ

3000 બેડની ક્ષમતા સાથે 60 હોટલોને કોવિડ સેન્ટરમાં ફેરવાઈ દર્દીઓ પાસેથી ચાર્જ લઈ શકાશે નહીં

વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે કોવિડ 19ના દર્દીઓની વિસ્તૃત સારવાર થઇ શકે તે માટે અમદાવાદ શહેરની વધુ આઠ હોસ્પિટલોને કોવિડ 19 હોસ્પિટલ જાહેર કરાઇ છે, અને એપેડેમિક એક્ટ હેઠળ આ હોસ્પિટલો કાર્યરત રહેશે.

આ હોસ્પિટલોમાં ચાંદખેડાની એસ.એમ.એસ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, કુબેરનગરની સિંધુ હોસ્પિટલ, આંબાવાડીની અર્થમ હોસ્પિટલ, બાપુનગરની સ્ટાર હોસ્પિટલ, મેમકોની આનંદ સર્જીકલ, સાયન્સ સીટીની સિમ્સ હોસ્પિટલ, મણિનગરની સરદાર પટેલ હોસ્પિટલ અને કાંકરિયા નજીક આવેલી સિદ્ધિવિનાયક હોસ્પિટલનો સમાવેશ થાય છે.

અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અધિકારીઓ સાથેની બીજી બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. આ સાથે શહેરની અંદર ખાનગી હોસ્પિટલોમાં 1600 બેડની ક્ષમતા ઊભી કરાઇ છે. ગઈકાલે શહેરની ખાનગી હોસ્પિટલો, નર્સિગ હોમ અને ક્લિનિકને ચાલુ કરવા કરેલી તાકીદના સંદર્ભમાં આ હુકમનું ઉલ્લંધન કરનાર 228 ક્લિનિક હોસ્પિટલને આજે નોટિસ આપવામાં આવી છે.

આદેશનો ભંગ કરનાર ખાનગી તબીબો હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ – કોવિડ કેર સેન્ટર કે હોમ આઈસોલેશન દર્દીઓની સેવામાં જોડી દેવામાં આવશે અને આ અંગે આ આવા ડોક્ટરોએ કે હોસ્પીટલો એ સંબંધિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રીપોર્ટ કરવાનો રહેશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઓ આવા ડોક્ટરોને જે તે વિસ્તારમાં આ સેવામાં જોડવા સૂચના આપશે. જોકે ૬૫ વર્ષથી વધુ વય ધરાવતા તબીબો અને તેમના ક્લિનિકને ફરજિયાત શરૂ કરવા માંથી મુક્તિ આપવામાં આવી છે. કુલ 3000 બેડની ક્ષમતા ધરાવતી 60 હોટેલોને આજે કોવિડ કેર સેન્ટરમાં ફેરવવાના આદેશ કરવામાં આવ્યા છે.

આ હોટેલોને એપડેમિક એક્ટ અન્વયે એર કન્ડિશન ઉપલબ્ધ કરવા સૂચના અપાઇ છે આ અંગેનો કોઈ ચાર્જ હોટલ હોટલો દર્દીઓ પાસેથી લઈ શકશે નહીં આ અંગે નો ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકા ઉઠાવશે. આજે દિવસ દરમ્યાન શહેરના સુપર સ્પ્રેડર સ્ક્રિનિંગ કરાયું હતું અને દિવસ દરમિયાન આવા 1409 સુપર સ્પ્રેડરસનું સ્ક્રિનિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.