અમદાવાદથી 1200 પરપ્રાંતીઓ સાથે આગરા જવા માટે ટ્રેન રવાના કરાઈ

માર્ગમાં ભોજન સહિતની તમામ સુવિધા રાજ્ય સરકાર આપશે: પ્રદીપસિંહ જાડેજા

કોરોનાની પરિસ્થિતિને પગલે લોકડાઉનના અમલ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીઓને આજે તેમના વતન મોકલવા માટે ખાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરાઈ હતી. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે 1200 પરપ્રાંતીઓને અમદાવાદથી આગરા જતી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું.

પ્રદીપસિંહ જાડેજાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અમદાવાદ સહિત ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિયોને વતન મોકલવા માટે રાજ્ય સરકારે વિશેષ સુવિધાઓ સાથે આજે ટ્રેનને રવાના કરી છે.

શહેરના વટવા સહિત અન્ય વિસ્તારોમાં રહેતા આ પરપ્રાંતીઓ કેટલાય સમયથી વતન જવા ની માંગ કરી રહ્યા હતા. ગઈકાલે આ અંગે દેશના ગૃહમંત્રી અમિત ભાઈ સાથે પણ ચર્ચા કરીને આ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે શહેરમાંથી ખાસ બસ દ્વારા આ પરપ્રાંતિયોને સાબરમતી રેલવે સ્ટેશને લાવવામાં આવ્યા હતા અને તમામ પ્રવાસીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ટ્રેનમાં રવાના કરાયા છે.

2400 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી આ ટ્રેનમાં આજે 1200 પ્રવાસીઓને વતન મોકલવામાં આવ્યા છે. રસ્તામાં ભોજન સહિતની તમામ સુવિધા નો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે એમ તેમણે ઉમેર્યું હતું.

શહેર ભાજપના ઉત્તર ભારતીયો ના અગ્રણી હોદ્દેદારો સાથે ચર્ચા કરીને આ પ્રવાસીઓને યાદી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી હતી અને જિલ્લા પ્રશાસન દ્વારા આ યાદીને અનુરૂપ આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ટ્રેન પ્રસ્થાન પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે.નિરાલા રેલવેના ઉચ્ચ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.