રતલામના અફસાનાબાનું ગરદનના મણકાના ટી.બી.થી પીડામુક્ત થયા

સિવિલ હોસ્પિટલ ઓર્થોપેડિક વિભાગ દ્વારા અત્યંત જટિલ એટલાન્ટોએક્સિઅલ સબલકશેસન સર્જરી કરવામાં આવી

મધ્યપ્રદેશ રતલામના રહેવાસી અફસાના બાનુને દ્રિતીય પ્રસુતિ બાદ શરીરના વિવિધ ભાગોમાં તકલીફ ઉભી થઇ. ખાસ કરીને તેઓને ગરદનના ભાગમાં અસહ્ય પીડા રહેતી હતી. જેના નિદાન માટે મધ્યપ્રદેશના સરકારી તેમજ વિવિધ ખાનગી દવાખાનાઓમાં ગયા પરંતુ કોઇ સચોટ સારવાર કરી શક્યુ નહીં..પોતાની પીડા લઇને દર બદર ભટકતા રહ્યા .. ક્યાંય નિદાન દેખાય તો પણ નાણાકીય ભીંસ અને ખર્ચાળ સર્જરી પરવડે તેમ ન હોવાથી નિરાશા હાથે વળગી.જેથી પીડા સહન કરતા રહ્યા. આ વેદના જ્યારે અસ્હ્ય બની ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવી પહોચ્યા.

રતલામના ૩૦ વર્ષીય અફસાના બાનુ પોતાના ગરદનની અસહ્ય વેદના સાથે સિવિલ હોસ્પિટલ આવ્યા ત્યારે તેઓ લકવાગ્રસ્ત હતા.શરીરના વિવિધ ભાગ હાથ-પગ કામ કરતા બંધ થઇ ગયા હતા.પીડા સાથે શારિરિક ગંભીરતા વધી રહી હતી.વિવિધ રીપોર્ટસ કરાવતા માલૂમ પડ્યુ કે ગરદનના પહેલા અને બીજા મણકામાં તેઓને ટી.બી. થયો છે.જેની સર્જરી કરવી ખૂબ જ જરૂરી હતી.જેથી ત્વરીત સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. જે.પી. મોદી અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરવામાં આવી.ભારે જહેમત બાદ અંતે સફળતા મળી અને અફસાના બાનું પીડામુક્ત બન્યા છે.

અફસાનાબાનુના પતિ શોહેબખાન કહે છે કે હું રતલામમાં રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવું છું. મારા પત્નીની તકલીફ વિશે જ્યારે ખબર પડી ત્યારે વિવિધ હોસ્પિટલના ધક્કા ખાધા પરંતુ અસફળતા જ હાથે વળગી હતી. જ્યારે અમુક ખાનગી હોસ્પિટલમાં સર્જરી વિશે કહેવામાં આવ્યુ ત્યારે ૩ થી ૪ લાાખનો ખર્ચ કહેવામાં આવ્યો. જે અમારા જેવા ગરીબ પરીવાર માટે અશક્ય હતો.જેથી મારી પત્ની જીવી પણ શકશે અને પીડામુક્ત બનશે તેની આશા છોડી ચૂક્યો હતો. પરતું અમદાવાદ સિવિલ હોસ્પિટલે મારા પત્ની અફસાનાબાનુને પીડામુક્ત કરીને નવજીવન બક્ષ્યુ છે જે માટે સિવિલ હોસ્પિટલ અને ગુજરાત સરકારનો હું અને મારા પત્ની હરહંમેશ ઋણી રહીશું.

સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. જે.પી. મોદી આ ઓપરેશનની ગંભીરતા જણાવતા કહે છે કે ગરદન મણકાના ટી.બી.ને મેડિકલ ભાષામાં એટલાન્ટોએક્સિઅલ સબલકસેશન કહેવામાં આવે છે. જેમાં ગરદનનો પહેલો અને બીજો મણકો એક બીજા પર ખસી જાય છે. આ પ્રકારની સર્જરી ખૂબ જ જટિલ અને અસામાન્ય પણે થતી હોય છે.તેમજ ઓપરેશન દરમિયાન કરોડરજ્જુ અથવા શરીરના બીજા ભાગને પણ ચેપ અથવા ઇજા પહોંચવાની સંભાવના પ્રબળ રહેલી હોય છે. જેથી ખૂબ જ ધ્યાનપૂર્વક આ સર્જરી કરવી પડે તેમ હતુ. જેમાં ન્યુરોમોનીટરીંગ કરવાની પણ જરૂર પડી. આ તમામ પરીબળોને ધ્યાનમાં રાખીને ઓર્થોપેડિક અને એનેસ્થેટિક ટીમના સહીયારા પ્રયાસ થી ખૂબ જ જટીલ ઓપરેશન સરળતાપુર્વક પાર પાડવામાં આવ્યુ. આજે દર્દી અફસાનાબાનુ સંપૂર્ણપણે પીડામુક્ત બન્યા છે. ટૂંક સમયમાં જ તેમને રજા આપવામાં આવશે જેથી તે સ્વગૃહે પરત ફરશે.

ડૉ.જે.પી.મોદી ઉમેરે છે કે અમારી સિવિલ હોસ્પિટલમાં દેશના વિવિધ રાજ્યો અને ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી શારીરીક તકલીફ અર્થે આવતા દર્દીઓનું પ્રમાણ ૩૦ થી ૪૦ ટકા જેટલું છે. તેમજ સિવિલ હોસ્પિટલ દ્વારા સિવિલ મંદસૌર બસ પણ ચલાવવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફક્ત ગુજરાત રાજ્યના જ નાગરિકો નહીં પરંતુ દેશના કોઇપણ ખૂણે થી આવતા દર્દીઓને પીડામુક્ત કરવામાં હંમેશા અગ્રેસર રહી છે.

સંકલન- અમિતસિંહ ચૌહાણ