લોકડાઉન પૂર્ણ થયા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારનું કાઉન્ટડાઉન શરૂ થશે

મનસુખ માંડવિયાને હાઈકમાન્ડે તેડું મોકલતા જ ગુજરાતમાં સત્તા પરિવર્તનનીને વાતો શરૂ થઈ ગઈ

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને ફરજિયાત રીતે ક્વોરોન્ટાઈનના બહાના હેઠળ સાઈડ કરી દેવાયા બાદ હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ બદલવામાં આવી રહ્યા છે એ પ્રકારની ચર્ચા શરૂ થઈ છે એમાં પણ આજે ગુજરાતના ટોચના નેતા અને કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવિયાને દિલ્હીનું તેડું આવતા આ અફવાને જોર મળ્યું છે.

દરમિયાનમાં રાજકીય સૂત્રો જણાવે છે કે ભૂતકાળમાં 2016માં આનંદીબેન પટેલને હટાવાયા એ સમયે હાર્દિક પટેલના અનામત આંદોલનનું બહાનું આગળ ધરાયું હતું પરંતુ વાસ્તવિકતા એ હતી કે આંદોલન પહેલાથી જ આનંદીબેનને હટાવવાનું મન ભાજપ હાઈકમાન્ડ બનાવી ચુક્યું હતું. જેની પાછળનું કારણ આનંદીબેન પટેલનો તેમજ તેમના સંતાનોનો ભ્રષ્ટાચાર હતો.

ત્યારબાદ અનામત આંદોલનના તોફાનો થતાં તેનું કારણ આગળ ધરીને આનંદીબેનને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. ત્યારથી જ વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી પદે બિરાજમાન છે જોકે છેલ્લા બે વર્ષથી એવી વ્યાપક ચર્ચા થઈ રહી છે કે તેમને વહીવટનું પૂરતું જ્ઞાન નથી અને આઈએએસ અધિકારીઓ ઉપર તેમનો કન્ટ્રોલ નથી તેમને ગેરમાર્ગે ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે.

ઉપરાંત છેલ્લા એક વર્ષથી એવી વ્યાપક ચર્ચા ચાલી રહી છે કે તેમના ધર્મપત્ની અંજલીબેન પણ સુપર સીએમ તરીકે કામ કરી રહ્યા છે અંજલીબેન જે તે ડિપાર્ટમેંટ અધિકારીઓને સીધો આદેશ આપે છે.

થોડા વખત પહેલા અમદાવાદના જિલ્લા કલેકટરની રાતોરાત બદલી થઈ તેની પાછળનું કારણ પણ અંજલિ બહેન જ છે તેઓએ કોઈ બિલ્ડરની જમીનની ફાઈલના સંદર્ભમાં તરફેણ કરવા માટેની સૂચના કલેકટરને આપી હોવાની પણ ચર્ચા છે.

ગુજરાતના કેટલાક નેતાઓએ દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ આ તમામ રિપોર્ટ મૂકી દીધો છે જેને કારણે હાઈ કમાન્ડે પણ ગુજરાતમાં નવા સીએમ મૂકવાનું વિચારવાનું શરુ કરી દીધું હતું. બીજી બાજુ કોરોનાવાયરસને લઈને ગુજરાતની સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે. સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર પછી સૌથી વધુ કેસ ગુજરાતમાં છે.

રૂપાણીની સરકાર કોરોના વાયરસને કંટ્રોલ લેવામાં નિષ્ફળ ગઈ છે એ પ્રકારની ઈમેજ ઊભી થઈ છે અને એ સાચી પણ છે. મંત્રીઓ તેમજ અધિકારીઓને માત્ર પબ્લિસિટી મેળવવામાં જ રસ છે લોકોની સમસ્યાઓ દૂર કરવામાં જરાય રસ નથી સ્થિતિ ખૂબ જ ગંભીર બની જતા હવે હાઈ કમાન્ડે ગુજરાતના નવા મુખ્યમંત્રીની શોધખોળ શરૂ કરી હોવાનું રાજકીય સૂત્રોનું માનવું છે.

દિલ્હીના સૂત્રો જણાવે છે કે લોકડાઉન પૂર્ણ થયા બાદ અને કોરોના વાયરસની સ્થિતિ મહદંશે કાબુમાં આવ્યા પછીથી રૂપાણી સરકારના પતનનું કાઉન્ટડાઉન શરૂ થશે અને રૂપાણીને હટાવીને તેમની જગ્યાએ બીજા કોઈને મુખ્યમંત્રી બનાવાશે જેમાં છેલ્લા ઘણા સમયથી મનસુખ માંડવિયાનું નામ ટોચ પર છે નીતિન પટેલને હાઇકમાન્ડ સાથે સારા સંબંધો નથી માટે તેમને CM બનાવવામાં આવે તેવી કોઈ શક્યતા નથી.

પરંતુ પ્રદિપસિંહ જાડેજાને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતાઓ પણ છે જો કે વડાપ્રધાન મોદી અને અમિત શાહ રાજકારણના માહિર ખેલાડી ગણાય છે છેલ્લી ઘડીએ તેઓ કોઇ નવો ચહેરો પણ ઉતારી શકે છે ટૂંકમાં ગુજરાતના રાજકારણમાં આગામી દિવસોમાં ખૂબ જ ધરખમ અને તોફાની ફેરફારો દેખાઈ રહ્યા છે.