અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય, માસ્ક નહીં પહેરનાર લોકોને પાંચ હજારનો દંડ

માસ્ક નહીં પહેરનાર સામે પોલીસ ફરિયાદ અને ત્રણ વર્ષની જેલની સજા થશે

ગુજરાતમાં કોરોના વાઈરસના દર્દીઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજે બપોરે મીડિયા સાથે વાતચીતમાં તેઓએ જાહેરાત કરી છે કે અમદાવાદના લોકો માટે મોઢા પર માસ્ક પહેરવું ફરજીયાત છે. માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ પાસેથી પાંચ હજાર રૂપિયાનો દંડ લેવાશે આવો દંડ નહીં ભરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ થશે.

તેમજ આવી વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની જેલની સજા કરવાની પણ જોગવાઇ કરવામાં આવી છે આવતીકાલે એટલે કે સોમવારે સવારથી આ નિયમનો અમલ ચાલુ થઇ જશે જોકે માસ્ક
નહીં હોય તો તેને બદલે રૂમાલનો પણ માસ્ક તરીકે ઉપયોગ થઈ શકશે. તેમજ મહિલાઓ પોતાના દુપટ્ટાનો ઉપયોગ પણ કરી શકશે.

આ નિર્ણયને પગલે અનેક અમદાવાદીઓ ભારે ગુસ્સામાં છે અને એવો બળાપો ઠાલવી રહ્યા છે કે માસ્ક નહીં પહેલા વ્યક્તિ પાસેથી પાંચ હજાર રૂપિયાનો દંડ લેવો અને દંડ નહીં ભરી શકનાર માણસને ત્રણ વર્ષની જેલની સજા કરવી તે લોકશાહી નથી પરંતુ સરમુખત્યારશાહી છે. આવો નિયમ લોકોને માથે ઠોકી બેસાડવા જોઈએ નહીં જો કે કેટલાક લોકો આ નિર્ણય ને વધાવી રહ્યા છે અને જણાવે છે કે આપણા લોકો આવું કંઈ હશે તો જ નિયમોનું પાલન કરશે અને તે તમામ લોકો માટે સારું પણ છે.