એર ઈન્ડીયાએ બુકિંગ શરૂ, પરંતુ વિમાનો ઉડવા પર શંકાના વાદળો

કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે વડાપ્રધાન મોદીએ લોકડાઉનને 3 મે સુધી લંબાવ્યું છે. જેને કારણે તમામ પરિવહન રેલ્વે, બસ અને વિમાન સેવા પર પ્રતિબંધ છે. આ સ્થિતિ વચ્ચે ગઈ કાલે સરકારી એરલાઈન્સ એર ઈન્ડીયાએ 4 મેથી વિમાન સેવા શરૂ કરવાનો નિર્ણય
કરી ફ્લાઈટનું બુકિંગ કરવાનું શરૂ કર્યું. જે બાદ કેન્દ્ર સરકાર તરફથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે સ્પષ્ટતા કરી કે ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય વિમાન સેવા શરૂ કરવાનો હાલ કોઈ નિર્ણય કર્યો નથી.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદિપ સિંહ પુરીએ ટ્વીટ કરી સ્પષ્ટ કહ્યું કે ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય વિમાન સેવા શરૂ કરવાનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. તેમજ તમામ એરલાઈન્સને સલાહ આપવામાં આવે છે કે સરકારના નિર્ણય પછી જ બુકિંગ શરૂ કરવામાં આવે.

એર ઈન્ડીયાએ ગઈકાલે 4મેથી ડોમેસ્ટીક અને 1લી જૂનથી આંતરરાષ્ટ્રીય વિમાન સેવાનું બુકિંગ શરૂ કરી દીધુ છે. જેને પગલે સરકાર આ મુદ્દે સ્પષ્ટીકરણ કર્યા પછી પણ એર ઈન્ડીયાની વેસાઈટમાં બુકિંગ જારી છે.