ઓરિસ્સાની પુરીની રથયાત્રાને સુપ્રીમ કોર્ટે શરતી મંજૂરી અપાતા અમદાવાદની રથયાત્રાને પણ મંજૂરી આપો

જમાલપુર જગન્નાથ મંદિરના મહંત તેમજ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા રથયાત્રા માટે માગણી

ઓરિસ્સાની ઐતિહાસિક પુરીની રથયાત્રાને સુપ્રીમ કોર્ટે શરતી મંજૂરી આપી દીધી છે જેને લઇને અમદાવાદની રથયાત્રાને પણ શરતી મંજૂરી આપવાની માગણી કરવામાં આવી છે. જમાલપુરના ભગવાન જગન્નાથ મંદિરના મહંત તથા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ આશા વ્યક્ત કરી છે કે હવે અમદાવાદમાં પણ રથયાત્રાને મંજૂરી આપવામાં આવે.

અત્રે નોંધનીય છે કે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને અમદાવાદમાં રથયાત્રા કાઢવાની મંજૂરી આપવાની માગણી કરી છે તેમજ વર્ષોની પરંપરા જળવાઈ રહે તે માટે પણ જનતા કર્ફયુ રાખીને રથયાત્રા માટે રજૂઆત થઈ છે.

દરમિયાનમાં આજે સાંજે જમાલપુરના જગન્નાથ મંદિર પ્રવેશના મુદ્દે મંદિરના મહંત અને પોલીસ વચ્ચે માથાકુટ થઇ હતી પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે અમારી પાસે લિસ્ટમાં જેનું નામ હશે તેને જ મંદિરની અંદર જવા દેવામાં આવશે.