આસામમાં વરસાદનો કહેર: ત્રણ જિલ્લામાં ભૂસ્ખલનથી 20ના મોત, 12 ઘાયલ

દેશના આસામ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને પગલે તબાહી મચાવી છે. રાજ્યના ત્રણ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે 20 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 12 જેટલા લોકો ઘાયલ થયા છે.

ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામતા લોકોમાં કછારના 7, હૈલાકાંડીના 7 અને કરીમગંજ જિલ્લાના 6 લોકોના સમાવેશ થાય છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે મંગળવારે બરાક ઘાટી ક્ષેત્રમાં ભૂસ્ખલન થતા જેમાં 20 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

કછાર જિલ્લામાં મંગળવારે સતત વરસાદને કારણે ભૂસ્ખલન થયું આ અકસ્માતમાં ત્રણ સગીર સહિતના એક પરિવારના સાત લોકો ઘરની નીચે દટાયા ગયા હતા. આ ઘટના બાદ સ્થાનિક ગ્રામજનો અને પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી અને સાત મૃતદેહોને બહાર કાઢ્યા હતા. તેમજ કરીમગંજ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે એક પરિવારના 5 લોકો સહિત 6 લોકોનાં મોત નીપજ્યાં છે.

આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે જિલ્લા વહીવટીતંત્રને ઈજાગ્રસ્ત લોકોની મદદ માટે જરૂરી પગલા ભરવા અને મૃતક વ્યક્તિના પરિવારજનોને વળતર રકમ આપવાનો નિર્દેશ કર્યો છે.