બિહાર ચૂંટણી: 50 ટકાથી વધુ ધારાસભ્યો પર ક્રિમિનલ કેસ

બિહારમાં આગામી ઓક્ટોબર-નવેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે જેમાં હાલ, 240 ધારાસભ્યો છે જે પૈકી 50 ટકાથી વધુ ધારાસભ્યો પર ગુનાહિત કેસ ચાલી રહ્યા છે.

બિહાર વિધાનસભાના 240 ધારાસભ્યોમાંથી 136 વિરુદ્ધ ક્રિમિનલ કેસ છે. જે પૈકી 94 ધારાસભ્યો સામે ગંભીર ગુનાનો કેસ છે તેમ બિહાર ઇલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)એ વર્તમાન ધારાસભ્યો દ્વારા આપવામાં આવેલી માહિતીનો અભ્યાસ કર્યા પછી આ માહિતી આપી છે. જેમાં મહત્તમ ગુનાહિત કેસવાળા 41 ટકા ધારાસભ્ય આરજેડીમાં છે.

કોંગ્રેસના 40 ટકા ધારાસભ્યો, જેડીયુમાં 37 ટકા ધારાસભ્યો અને ભાજપના 35 ટકા ધારાસભ્યો કલંકિત છે. એટલે કે, પક્ષોને કલંકિત ધારાસભ્યોને વધુ ગમે છે. આ અહેવાલ 2015 ની વિધાનસભાની ચૂંટણીઓ અને ત્યારબાદની પેટા-ચૂંટણીઓમાં આપવામાં આવેલા એફિડેવિટ્સ પર આધારિત છે. તેમાંથી 11 ધારાસભ્યો પર હત્યાના કેસ 30થી વધુ પર હત્યા કરવાનો પ્રયાસ અને 5 ધારાસભ્યો પર મહિલાઓને ત્રાસ આપવાના કેસ છે. એક ધારાસભ્ય પર બળાત્કારનો કેસ નોંધાયેલ છે.

બિહાર વિધાનસભાના 240 ધારાસભ્યોમાંથી 67 ટકા ધારાસભ્યો કરોડપતિ છે. સૌથી ધનિક ધારાસભ્ય ખગડિયાની પૂનમ દેવી યાદવ છે જેની પાસે 41 કરોડની સંપત્તિ છે. જે બાદ કોંગ્રેસના ભાગલપુરના ધારાસભ્ય અજિત શર્મા પાસે 40 કરોડની સંપત્તિ છે. સૌથી ઓછી સંપત્તિ જેડીયુના ધારાસભ્ય રાનીગંજના અચમિત ઋષિ દેવ છે માત્ર 9.8 લાખ રૂપિયાની સંપત્તિ છે.

હવે, જાણીએ બિહારમાં ધારાસભ્યોએ કેટલું શિક્ષણ મેળવ્યું છે. 240માંથી 94 ધારાસભ્યોએ ફક્ત 5થી 12 સુધી અભ્યાસ કર્યો છે. 134 ધારાસભ્યોએ તેમની શૈક્ષણિક લાયકાત સ્નાતક અથવા તેથી વધુ તરીકે જાહેર કરી છે. તેમજ 9 ધારાસભ્યોએ શૈક્ષણિક લાયકાતમાં માત્ર સાક્ષર લખ્યું છે. ધારાસભ્યોની ઉંમરની વાત કરીએ તો 128 ધારાસભ્યોની ઉંમર 25 થી 50 વર્ષની વચ્ચે છે. જ્યારે 112 વર્ષની વય 51 થી 80 વર્ષની વચ્ચે છે.