ભાજપ સરકારના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ વચે નબળાઇની હરીફાઈ

ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા એ કહેવતોને ભાજપ પછી કોંગ્રેસે સાર્થક બનાવી

ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા આવી એક ગુજરાતી કહેવત છે આ કહેવત સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ એમ બંનેને લાગુ પડે છે કોરોના વાયરસના દર્દીઓની સિવિલ હોસ્પિટલમાં સારવારના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો રિટમાં આરોગ્ય મંત્રી નીતિન પટેલ તથા હેલ્થ સેક્રેટરી ડો. જયંતિ રવિ અને સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.

ત્યાર બાદ ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હવે કોંગ્રેસના નેતાઓ પણ જાગ્યા છે. ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા દ્વારા જાહેર કરાયું છે કે તારીખ 25 અને 26મેના દિવસે દરેક જિલ્લામાં કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. નીચે મુજબની માહિતી મેળવશે.

કોંગ્રેસના નેતાઓ તેમની આ મુલાકાત દરમિયાન છેલ્લા 3 મહિનામાં દાખલ, સારવાર મેળવેલ, મૃત્યુ પામેલ દર્દીઓની વિગત,કેટલા વેન્ટિલેટર છે,સરકારે ધમણ-1 આપ્યું હોય તો ઉપયોગ માં છે,કેટલા દર્દીઓને ધમણ 1 હેઠળ સારવાર અપાઈ”ડોક્ટર્સ ,સ્ટાફનું મહેકમકોરોના મહામારી માટેની તૈયારીઓ, સુવિધાઓ,સારી કામગીરી કરનાર સ્ટાફને પ્રોત્સાહન ,માસ્ક, પીપીઈ કીટની જરૂરિયાત કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા ફાળવેલ ગ્રાન્ટ માંથી કોરોના મહામારી માટે વપરાયેલ રકમ વગેરેના સંદર્ભમાં વિવિધ પ્રકારની વિગતો મેળવશે.

કોંગ્રેસની આ જાહેરાતને પગલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસના સ્થાનિક નેતાઓની ઝાટકણી શરૂ થઇ છે. જેમાં લોકો કહે છે કે સત્તાધારી ભાજપના નેતાઓ તો નબળા છે જ તેના અધિકારીઓ પણ પોતાની બુદ્ધિ મતાનું પ્રદર્શન કરતા હોય છે પરંતુ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ અમિત ચાવડા પણ એટલા જ નબળા પુરવાર થયા છે. સિવિલ હોસ્પિટલમાં જ્યારે જવાની જરૂર હતી ત્યારે કોંગ્રેસના નેતાઓ દેખાયા ન હતા અને ધાનાણી માત્ર પોતાના અમરેલી શહેરમાં અને આસપાસમાં લોકોને માટે રાહત રસોડા માં જતા હતા.

હાઈકોર્ટે ઝાટકણી કાઢી બાદ અને ગઈકાલે શંકરસિંહ વાઘેલાએની મુલાકાત લીધા બાદ કોંગ્રેસે હવે સિવિલ અને અન્ય હોસ્પિટલમાં જવા માટેનું પ્લાનિંગ કર્યું છે. લોકો સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે કે વાસ્તવમાં તો બે તાકાતવાળા અને સબળા હરીફો વચ્ચે હરીફાઈ હોય છે પરંતુ ગુજરાતમાં તદ્દન ઊલટું છે શાસક પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ બંને નબળા છે અને બંને વચ્ચે કોઈ હરીફાઈ હોય એવું દેખાતું નથી.