બિહારમાં ભાજપે કોરોના રસી નિ: શુલ્ક આપવાનું વચન, ચૂંટણીપંચમાં ફરિયાદ

ભારતીય જનતા પાર્ટીએ આજે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે ભાજપે જેમાં ઘણા વચનો આપ્યા પરંતુ એક વચન વિવાદ સર્જયો છે. ભાજપે કહ્યું કે સત્તામાં ફરી આવીશું તો તમામ બિહારવાસીઓને કોરોના રસી મફતમાં મળશે જેને પગલે હવે આ મામલો ચૂંટણી પંચ સુધી પહોચ્યો છે.

કાર્યકર સાકેત ગોખલેએ ગુરુવારે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી છે કે, રસી પૂરી પાડવાનો ભાજપનો દાવો ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકારની સત્તાઓનો દુરુપયોગ છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ કોઈ ભાજપના નેતાની ઘોષણા નથી પરંતુ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવી છે.

હવે મોટો સવાલ એ સર્જાયો છે કે, અત્યાર સુધી ભારત સરકાર દ્વારા આવી કોઈ સત્તાવાર નીતિની ઘોષણા કરવામાં આવી નથી જેને કારણે એ નક્કી થઈ શકે કોરોના રસી આપવાનું ધોરણ શું હશે. કોરોનાને કારણે દેશના દરેક રાજ્યોને નુકસાન થયું અને બિહારની જેમ, દરેક રાજ્યના લોકો તેનાથી પ્રભાવિત છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં ભાજપના ચૂંટણી ઢંઢેરો આજે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે જાહેર કર્યો જેમાં કુલ 11 વચનો આપવામાં આવ્યા જેમાં પ્રથમ વચન ફ્રીમાં કોરોના રસી આપવાનું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં આઇસીએમઆર દ્વારા કોરોના રસીની મંજૂરી અપાશે ત્યારબાદ સરકારની રચના બાદ બિહારના તમામ લોકોને નિ શુલ્ક રસી આપવામાં આવશે.

બિહારમાં એક સપ્તાહ બાદ પહેલા તબક્કાના મતદાન યોજાવાનું છે, આવી સ્થિતિમાં ભાજપ હવે પોતાનો સંકલ્પ પત્ર લાવ્યા છે અને આવતીકાલે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ માટેના ચૂંટણી પ્રચારનું રણશિગું ફુકશે.