ભાજપની નવી ટીમનું એલાન, ગુજરાતના એક માત્ર મહિલા સાંસદને મળ્યું સ્થાન

બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સંગઠનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. ભાજપે પક્ષના નવા ઉપપ્રમુખ, રાષ્ટ્રીય મહામંત્રી, રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન), રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી અને રાષ્ટ્રીય પ્રવક્તા સહિત ઘણા મહત્વના હોદ્દામાં ફેરફાર કરીને નવા ચહેરાઓને તક આપી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ભાજપના કેન્દ્રીય પદાધિકારીઓનાં નામની જાહેરાત કરી છે. બિહાર ચૂંટણી પૂર્વે ભાજપે પાર્ટીમાં ફેરફાર કરતા વખતે નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની ઘોષણા કરી છે. રાધા મોહન સિંહ, મુકુલ રાય, રેખા વર્મા, અન્નપૂર્ણા દેવી, ભારતી બેન શિયાળ, ડી.કે અરૂણા, એમ ચૂબા આવ, અબ્દુલ્લા કુટ્ટીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોપી છે.

કર્ણાટકના સાંસદ તેજસ્વી સૂર્યાને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નવા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. તેજસ્વીએ પૂનમ મહાજનનું સ્થાન લીધું છે. તેમજ તેલગાંણા પૂર્વ ભાજપ પ્રમુખને ડૉ. કે લક્ષ્મણને ઓબીસી મોર્ચાના પ્રમુખ બનાવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતાં કહ્યું કે ‘નવી ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ. મને વિશ્વાસ છે કે નિસ્વાર્થ અને સમર્પણ સાથે ભારતની જનતાની સેવા કરીને અમારી પાર્ટીની ગૌરવપૂર્ણ પરંપરા જાળવશે. તેઓ ગરીબોને સશક્ત બનાવવા માટે સખત મહેનત કરશે.

આ ઉપરાંત કિસાન મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, અનુસૂચિત જાતિના મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, અનુસૂચિત જનજાતિ મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અલ્પસંખ્યક માર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષની પણ જાહેરાત કરી છે. 23 રાષ્ટ્રીય પ્રવક્તાના નામ પણ જાહેર કર્યા છે.