મીઠીવિરડીના ભાઈ-બહેને 10 વીઘા જમીનમાં વૃક્ષો રોપી ‘રક્ષા બંધન’ની ઉજવણી કરી

માસ્ક આપી ગ્રામજનોને કોરોનાથી સુરક્ષિત રહેવા સાથે આત્મનિર્ભરતાનો સંદેશ આપ્યો

બુધવારના રોજ જસપરા, માંડવા, મીઠીવિરડી, પાણીયાળી, અને ખદરપરના ગ્રામજનો અને પંચાયતના પ્રયાસોથી ૧૦ વીઘા જમીનમાં ૫૦૦ જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા. પરમાણુ વિજળી મથક જેવી અત્યંત ઘાતક એવી યોજના સામે આંદોલન ચલાવી પોતાના ગામ, ખેતી, ગૌચર, અને જંગલની રક્ષા કરનાર ખેડૂતો અને ગ્રામજનોએ સાથે આવી કર્યું વૃક્ષારોપણ.જસપરા ગામના પંચાયત સભ્યો, મીઠીવિરડી ગામના પંચાયત સભ્યો સહિત ગામના બહેનો-ભાઈઓ અને યુવાનોએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધો.

આ કાર્યક્રમમાં પર્યાવરણની સુરક્ષા સાથે, કોરોના સામે રક્ષણનો પણ સંદેશ આપ્યો. વૃક્ષારોપણમાં સામેલ દરેકને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેવું જસપરાના સરપંચ બાલાભાઈ બટાડાએ જણાવ્યુ હતું.જસપરાના ઉપ-સરપંચ ભગીરથસિંહ ગોહિલએ આ કાર્યક્રમ વિશે જણાવ્યૂ હતું કે, આજે દેશ અને વિશ્વને જેટલી કોરોના સામે રક્ષણની જરૂર છે, તે પ્રમાણે ભવિષ્યમાં પ્રદૂષણ સામે રક્ષણ માટે વૃક્ષોની જરૂર રહેવાની છે. આ આયોજન દૂરંદેશી ભર્યું આયોજન છે.માંડવાના આગેવાન એવા ધર્મેન્દ્રસિંહ ગોહિલ અલંગ વિસ્તારના પ્રદૂષણ સામે અવાજ ઉઠાવતા રહે છે, તેઓ જણાવે છે કે અલંગના પ્રદૂષણને કારણે આ વિસ્તારમાં પર્યાવરણ નબળું પડ્યું છે, આ વૃક્ષારોપણના કાર્યક્રમ દ્વારા અમે પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ કર્યો છે અને પ્રદૂષણ સામે અમારો સંઘર્ષ જારી રહેશે.

મીઠીવિરડીથી સામેલ થયેલ યુવાન ભાઈ નીલેશ દિહોરા અને બેહન જીગ્ના દિહોરાએ સાથે મળીને વૃક્ષો વાવ્યા. જીગ્નાબહેને જણાવ્યુ કે રક્ષા બંધનમાં ભાઈની રક્ષા સાથે ધરતી ઉપર ઘટતા જતાં વૃક્ષોની રક્ષા અને વૃદ્ધિ થાય તે મહત્વનુ છે. અમે ભાઈ બહેન ફક્ત આજે વૃક્ષો રોપીને જંપીશું નહીં, પણ આ વૃક્ષો મોટા થાય તેની પણ કાળજી વખતો વખત લઈશું.ઉપસ્થિત દરેકને માસ્કનું વિતરણ ગામની યુવતીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણ સામે રક્ષણ માટે માસ્ક વિતરણ સાથે, ભીડ ના થાય અને કાર્યક્રમ દરમ્યાન ગ્રામજનો વચ્ચે શારીરિક અંતરનું ધ્યાન રાખવામા આવ્યું હતું.

અણુમથક સામેની લડાઈમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT)માં petitioner એવા મીઠીવિરડીના હાજાભાઈ દિહોરા પણ ગામના અન્ય વડીલો સાથે કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેઓ કહે છે કે આ જમીન અમે વિનાશક એવા અણુ મથકથી બચાવી છે પણ તેની માવજાતની જવાબદારી અમારા સૌની છે. આમારી કોશિશ સહિયારુ ગ્રામજનોનું આ વન બની રહે તે માટે છે.
વિસ્તારના અને અણુમથક આંદોલનના જસપરા ગામના આગેવાન શક્તિસિંહ હેમુભા ગોહિલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરપૂર પ્રયત્ન કર્યો હતો. ગામનું ગૌચર અને સામૂહિક જમીન ગામને ઉપયોગી થાય તે માટે તેનો વિકાસ જરૂરી છે. આ વૃક્ષો મોટા થાય ત્યાં સુધી તેમને નુકશાન ના થાય માટે અમે સ્થાનિક ફાળો, અને અન્ય લોકોની સહાયથી તાર-ફેન્સિંગ કરી વ્યવસ્થિત આયોજન કર્યું છે.

માંડવાના આગેવાન વિક્રમસિંહ ગોહિલ, મિઠીવીરડીના અરજણભાઈ ડાભી, હીરાભાઈ દિહોરા, અને ખદરપરના દડુભાઈ મયડા સહિતના આગેવાનોએ જમીન બચાવવા કાજે “જાન દેગે જમીન નહિ”ના નારાને પુન: દોહરાવી વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉત્સાહનો વધારો કર્યો હતો. જસપરાના મહિલા કાર્યકર, અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT)માં petitioner એવા જાગૃતિબેન ગોહિલએ જણાવ્યુ હતું કે અમે આ વૃક્ષોનું જતન કરીશું અને આવનાર દિવસોમાં વિકલ્પના કામો પણ કરતાં રહીશું.

આ કાર્યક્રમને સહિયારી પ્રક્રિયા અને ગામમાં વિચાર-વિમર્શ દ્વારા આગળ ધપાવવામાં પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ તથા કૃષ્ણકાંતભાઈ પણ સામેલ રહ્યા હતા.
મિથિવીરડીના બાલુબેન ડાભીએ વૃક્ષા રોપણ કરતા જણાવ્યુ હતું કે ધરતી પર જીવન ટકી રહે તે માટે તમામ લોકોએ પર્યાવરણના જતન માટે પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરવાની જરૂર છે.