શું તમારી પાસે પૈસા હોય તો જ કોઈની મદદ થઈ શકે..?

કઠવાડામાં રહેતા આ રિક્ષા ચાલક ટેનિસ ચુનારાને આમાંથી કશું લાગુ પડતુ નથી

ટેનિસ ચુનારા નામ સાથે જ એક રમત જોડાઈ છે પરંતુ તેમના સ્વભાવમાં પણ અલગ સ્પિરિટ છે. વાત છે કઠવાડામાં ચાલતા શેલ્ટર હોમની …અહીં રહેતા ૧૦૧ આશ્રિતો રોજ ટેનિસની કાગડોળે રાહ જુએ છે.હમણાં ટેનીસ આવશે અને કંઈક લાવશે એવી આશામા રહેતા શ્રમિકો ક્યારેય નિરાશ નથી થતા. ટેનિસ આમ તો રિક્ષાચાલક છે અને રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

હા જોકે ટેનિસ કોઈ સાધન સંપન્ન માણસ તો નથી જ પરંતુ તેનું દિલ અને સ્વભાવ કંઈ કેટલાય સાધન સંપન્ન અમીરોને શરમાવે એવું છે.કોવિડ-૧૯ મહામારીના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે..અમદાવાદ કે અન્ય શહેરોમાં માં કામ કરતાં કેટલાય શ્રમિકો વતનમાં જઈ શક્યા નથી જોગાનુજોગ તેઓ અહીં ભેગા થયા છે…ક્યાંક સંજોગો તેમને અહીં લાવ્યા છે અને ક્યાંક પ્રશાસન અહીં લાવ્યું છે.

અહીં વ્યવસ્થા સંભાળતા ટી.ડી.ઓ શ્રી પંકજ મહિડા સતત છેલ્લા ૧૩ દિવસથી, સમય-ઘર અને પરિવારની ચિંતા કર્યા વિના સમગ્ર પંચાયતની ટીમને જોતરીને આ આશ્રિતો માટે સેવા કરી રહ્યા છે. મહિડા કહે છે કે, ” આ શ્રમિકોને અહીં જિલ્લા પ્રશાસન અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સેવા ઉપલબ્ધ કરાઇ છે ..તેમને રહેવા જમવા અન્ય સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે..જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ અહીં તંત્ર અને સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાના સહયોગથી અહીં ફુડ પેકેટ ખાદ્ય કીટ કપડા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.

જોકે આ શ્રમિકો માટે સૌથી મોટો સહયોગ કઠવાડા ગામના રહીશો આપી રહ્યા છે. કઠાડા ગામમાં રહેતા દાનવીરો યથા યોગ્ય યોગદાન ક્યાંક નાણાં સ્વરૂપે તો ક્યાંક ભોજન સ્વરૂપે અહીં વહાવી રહ્યા છે..ગામના રહીશોને કંઈક આપવું છે એવી જાણ થતાં જ ગામના રિક્ષાચાલક ટેનિસ જોનારા જાતે ત્યાં પહોંચી જાય છે. કોકને ત્યાંથી ચોખા -ઘઉ, અન્ય ભોજન, તો ક્યારેક લાપસી જેવું મિષ્ઠાન જાતે એકઠું કરે છે અને અહીં રહેતા શ્રમિકોને પહોંચાડે છે… ટેનિસ આટલેથી અટકતા નથી …આમાંથી કોઈને ક્યાંય પણ જવાની જરૂરિયાત ઉભી થાય તો ટેનિસ પોતાની રિક્ષામાં જ લઈ જાય છે. આ સમયમાં ટેનિસ મુસાફરોની હેરફેર કરી ભાડું કમાવવાના બદલે પુણ્ય કમાય છે…” એમ તેઓ ઉમેરે છે.

અહીંના તલાટી શ્રી જયેશભાઈ કહે છે કે, “સાધન સંપન્ન જી.આઇ.ડી.સી.ના અમીર ઉદ્યોગકારોની વચ્ચે કાર્યરત કઠવાડા શેલ્ટર હોમ ટેનિસ જેવા સ્વભાવથી માલેતુજાર લોકોના કારણે જીવંત છે. કઠવાડાના સરપંચ પણ અહીં દિવસ રાત સેવા આપે છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી માર્ગદર્શન અને સંકલનને કારણે અહીં બીજી કોઈ તકલીફ તો નથી જ પડતી. અહીં રહેતા આશ્રિતોને સમય પસાર કરવામાં મુશ્કેલી પડતી હતી. અમારી રજૂઆતના પગલે તંત્ર દ્વારા તરત જ અહીં ટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે.

અહીંના આશ્રિતો ટીવી પર રામાયણ- મહાભારત જેવી સિરિયલ જોઈને શાંતિથી સમય પસાર કરે છે. જો કે તેમને તેમના ઘર પરિવારની યાદ સતાવે છે પરંતુ કઠવાડાના ગ્રામજનોના સહકારને કારણે તેમના કલેજાને ઠંડક પહોંચે છે અને તેવું માને છે કે અમારું કોઇક અહીં છે.
ધન્ય છે આ ટેનિસને અને સેવારત સરકારી અધિકારી કર્મચારીઓને એટલું નિશ્ચિત છે કે જ્યાં સુધી લોકોમાં સેવાભાવ જીવંત છે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ અને સંસ્કાર પણ જીવંત રહેશે.