સેમિસ્ટર પ્રથા એક વર્ષ માટે કોલેજો અને યુનિવર્સિટીઓમાં રદ કરો

કોરોના મહામારીમાં અત્યારે કોલેજો અને યુનિ.ઓમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ છે તેવા સંજોગોમાં શિક્ષણ કાર્યના સંદર્ભમાં કેટલાક વ્યવહારુ મુદ્દા

(૧) આ સમગ્ર શૈક્ષણિક વર્ષ માટે સેમિસ્ટર પ્રથા રદ કરવી.

(૨) તેને બદલે વાર્ષિક પ્રથા આ ૨૦૨૦-૨૧ના વર્ષ માટે દાખલ કરવી.

(૩) એમ કરવાથી ઑક્ટોબર મહિનામાં પરીક્ષા કેવી રીતે લેવી તેની વિમાસણ નહિ રહે.

(૪) સેમ – ૧, ૩ અને ૫ના અભ્યાસક્રમોને સેમ – ૨, ૪ અને ૬ના અભ્યાસક્રમો સાથે ભેળવી દેવા. દા. ત. ગુજરાતી મુખ્ય વિષયમાં સેમ-૫ અને સેમ-૬માં ગુજરાતી સાહિત્યના અર્વાચીન ઇતિહાસની રૂપરેખાનાં બે પેપર હોય તો એક જ પેપર થઈ જાય. અને પેપર નંબર બદલી નાખવા. દરેક યુનિ.માં બોર્ડ ઓફ સ્ટડીઝ એક સપ્તાહમાં એને વિશે નિર્ણયો લે.

(૫) માર્ચ, એપ્રિલ કે મે – ૨૦૨૧માં વાર્ષિક પરીક્ષા લેવાય અને માર્કને બે સેમિસ્ટરમાં વહેંચીને બે માર્કશીટ આપી શકાય.

(૬) તે સમયે પરીક્ષાઓ નિયમિત રીતે કાયમ લેવાય છે એમ લેવામાં વાંધો પણ નહિ આવે કારણ કે ત્યારે કોરોનાનો ભય જતો રહ્યો હોઈ શકે છે.

(૭) અત્યારે ઓનલાઇન શિક્ષણ કરવા માટે જે એપ સરકાર તરફથી નક્કી કરાઇ છે તે ખરેખર જ ભારે જટિલ છે. છ કલાકની તાલીમ પણ બરાબર થઈ શકી નથી. તેને બદલે દરેક અધ્યાપક પોતાના પેપરનો અભ્યાસક્રમ ઝૂમ એપ પર ચલાવે એવું થઈ શકે, જ્યાં સુધી વિદ્યાર્થીઓ કોલેજમાં ના આવે ત્યાં સુધી. દરેક કોલેજ કે યુનિ. એને માટે સમયપત્રકમાં જરૂરી ફેરફાર કરે.

આ તો સંવાદ ઊભો કરવા માટેનાં આરંભિક સૂચનો છે. વધુ ચર્ચાને અંતે આખરી ઓપ મળી શકે. યુનિ.ઓના કુલપતિઓએ આ મુદ્દે પહેલ કરવી પડે અને સરકાર તથા યુજીસીને કહેવું પડે, થોડુંક મોકળું મન રાખીને.

  • હેમંતકુમાર શાહ
  • એચ. કે. આર્ટ્સ કોલેજ