છેલ્લી ત્રણ પરીક્ષાના આધારે ધો.12નું પરિણામ નક્કી થશે: CBSE

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ઉમેદવારોએ 1થી 15 જુલાઈ વચ્ચે યોજાનારી પરિક્ષા અંગે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેને પગલે આજે સુપ્રીમ કોર્ટેમાં આ મુદ્દે સુનાવણીમાં CBSE અને ICSE બોર્ડે તેમની બાકીની પરિક્ષા રદ્દ કરી દીધી છે. જેની જાણકારી બન્ને બોર્ડે ગુરૂવારે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી દરમ્યાન આપી હતી. આ પછી કોર્ટે કેન્દ્ર અને સીબીએસઇને 12મા વર્ગની પરીક્ષા અંગે નવી સૂચના જારી કરવા જણાવ્યું છે. આ મામલે આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. જાણો કોર્ટમાં શું થયું? બોર્ડે શું દલીલ કરી હતી.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નવી સૂચનામાં સીબીએસઇ અને કેન્દ્રને આંતરિક મૂલ્યાકંન અને પરીક્ષા વચ્ચેની વિકલ્પ અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. ઉપરાંત, રાજ્ય બોર્ડ પરીક્ષાની વર્તમાન સ્થિતિ, પરીક્ષાઓની તારીખ પણ જણાવો.

સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓ પર સુનાવણી દરમિયાન, કેન્દ્ર વતી દલીલ કરી રહેલા સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે 1 થી 15 જુલાઇ દરમિયાન યોજાનારી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને ઓડિશાએ એફિડેવિટ ફાઇલ કરીને પરીક્ષા લેવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. વાતાવરણ અનુકૂળ હોય ત્યારે હવે પરીક્ષાઓ થશે.

આ દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું સરકાર અને બોર્ડ વચ્ચે કોઈ સંકલન નથી? આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે સરકાર અને બોર્ડ તાલમેલમાં ચાલે છે. પરીક્ષા કાર્યક્રમ રદ કરવા માટે નવી સૂચના આવતીકાલે એટલે કે શુક્રવાર સુધીમાં જારી કરવામાં આવશે.