મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સફાઇ કર્મવીરો સાથે સીધી વાત કરીને પૂછ્યું, કેમ છો?

કોરોનાના સંક્રમણના કપરા સમયમાં સફાઇ કર્મવીરોની નિષ્ઠાપૂર્વકની ફરજની સરાહના કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગુજરાતના 10 જેટલા સફાઇ કર્મવીરો સાથે સીધી વાત કરી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સી.એમ. ડેશબૉર્ડ અને જનસંવાદ કેન્દ્રના માધ્યમથી રાજ્યના સફાઇ કર્મવીરો સાથે વાત કરતાં વિજય રૂપાણીએ જણાવ્યું કે, સફાઈ કર્મવીરોની અનન્ય સેવા અને નિષ્ઠાપૂર્વકના કર્તવ્યથી ગુજરાતની જનતા સલામત અને કોરોના સામે સુરક્ષિત છે.

તેમણે ગુજરાતની જનતા વતી રાજ્યના તમામ સફાઈ કર્મવીરોનો આભાર માનીને તેમને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકાના સફાઈ કર્મયોગી શ્રીમતી દિનાબેન નરેશભાઈ વાઘેલા સાથે વાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આવા કપરા સંજોગોમાં તમે સફાઈ કર્મવીરો ગુજરાતને સ્વચ્છ રાખવાની જે કપરી કામગીરી કરો છો તે અભિનંદનને પાત્ર છે.

તેમણે તમામ સફાઇ કર્મીઓને આપવામાં આવતા માસ્ક, હેન્ડગ્લોઝ, સેનિટાઈઝર, હાથ ધોવાના સાબુ વગેરેની પણ પૃચ્છા કરી હતી. તમામ સફાઈ કર્મવીરોએ તેમને મળી રહેલી તમામ સુવિધાઓથી પણ સંતોષ વ્યક્ત કરીને મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

પેટલાદ નગરપાલિકાના સફાઈ કર્મયોગી શ્રીમતી કાંતાબેન ચંદ્રેશભાઇ જાદવ સાથે વાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, તમારા બધા સફાઈ કર્મવીરોના પરિશ્રમને કારણે જ ગુજરાતની જનતા સલામત છે અને કોરોના સામે સુરક્ષિત છે. રૂપાણીએ સફાઈ કર્મવીરોના સ્વાસ્થ્યની ચિંતા કરતાં તેમને પણ તેમની તબિયત જાળવવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે, જો તમે તંદુરસ્ત રહેશો તો ગુજરાત તંદુરસ્ત રહેશે, તમે માંદા પડશો તો ગુજરાત માંદુ પડશે. એટલે તમામ સફાઇ કર્મીઓને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા તેમણે અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી રૂપાણીએ આજે અમદાવાદના દિનાબેન વાઘેલા, સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મવીર સંજય દલસુખભાઈ, વડોદરાના તુલસીબેન સોલંકી, રાજકોટના જ્યોતિબેન પરમાર, જામનગરના શ્રી કપિલભાઈ વાઘેલા, ભાવનગરના શ્રીમતી ભાનુબેન દાઢીયા, જૂનાગઢના સાગર બારૈયા, ગાંધીનગરના જયદીપભાઇ ભૂતડીયા, પેટલાદના કાંતાબેન જાદવ અને કડી નગરપાલિકાના સફાઇ કર્મવીર ગીરીશભાઈ વાઘેલા સાથે સીધી વાત કરીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.

તમામ સફાઇ કર્મવીરોએ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સીધી વાત કરીને તેમના ક્ષેમકુશળ પૃચ્છા કરી એ માટે ખૂબ અહોભાવ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી જનસંવાદ કેન્દ્ર અને સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી વર્તમાન પરિસ્થિતીમાં અવારનવાર વિવિધ કર્મીઓ-કોરોના અસરગ્રસ્તો સાથે સંવાદ કરતા રહે છે.

આ શૃંખલામાં તેમણે રાજ્યના તબીબો, પોલીસ કર્મીઓ, સરપંચો, કવોરેન્ટાઇન થયેલા નાગરિકો, કોરોનાની સારવારગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમની ખબર-અંતર પૂછી છે અને સ્થિતીની જાણકારી તથા ફિડબેક મેળવ્યા છે. આજે, અદના સફાઇ કર્મીઓ સાથે સંવાદ સાધીને તેમણે સી.એમ ‘‘કોમનમેન’’ની છબિ વધુ એકવાર ઊજાગર કરી છે.