“ચિરીપાલ ગ્રુપ” દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા 1 કરોડનું દાન આપ્યું

હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી સામેની લડતમાં સહકાર આપવાના હેતુથી ગુજરાત સ્થિત અગ્રગણ્ય ઔદ્યોગિક જૂથ “ચિરીપાલ ગ્રુપ” દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા એક કરોડનું દાન આપવામાં આવ્યું છે. આ રકમનો ચેક “ચિરીપાલ ગ્રુપ”ના પ્રમોટર્સ અને ડિરેક્ટર્સ જયપ્રકાશ ચિરીપાલ અને ગ્રુપના અન્ય ડિરેક્ટર્સના હસ્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપવામાં આવ્યો હતો.

આ અંગે વધુ જણાવતા “ચિરીપાલ ગ્રુપ”ના ડિરેક્ટર્સે કહ્યું કે “સમાજના ભાગ રૂપે અમને લાગે છે કે કોવિડ-19 રોગચાળા સામેની લડાઇમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કઠિન કાર્યમાં ફાળો આપવો તે અમારી નૈતિક જવાબદારી છે, કોવિડ19 સામેની આ લડાઈમાં અમે સરકાર અને સમાજને છેક સુધી સહકાર અને યોગદાન આપીશું. વધુમાં ચિરીપાલ ગ્રુપના પ્રમોટર્સે જણાવ્યું કે નજીકના સમયમાં અમે ખુબજ મોટા પાયા ઉપર માસ્ક, સેનિટાઇઝર, ટોવેલ્સ વગેરેનું વિતરણ કરીશું , સાથે સાથે હજારો જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ અને અનાજનું પણ વિતરણ કરવામાં આવશે. ઉપરાંત અમે ફેક્ટરીઝની આસપાસ અને શહેરના વિવિધ વિસ્તારોના સેનિટાઇઝેશનનું કાર્ય સ્થાનિક તંત્ર સાથે મળી કરીશું.