CJI એસએ બોબડેને ઝેડ કેટેગરીમાંથી ઝેડ પ્લસ સુરક્ષા

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસએ બોબડેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે તેમને ઝેડ પ્લસની સુરક્ષા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે થ્રેટ પરસેપ્શન અને ઈન્ટેલિજેન્સ બ્યૂરોના રિપોર્ટના આધાર પ્રમાણે CJI એસએ બોબડેની સુરક્ષા ઝેડ કેટેગરીમાંથી ઝેડ પ્લસ કેટેગરીમાં પરિવર્તિત કરવામાં આવી છે.

આ અગાઉ CJI એસએ બોબડેને ઝેડ કેટેગરીની સુરક્ષા મળેલી હતી. હવે તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ(સીઆરપીએફ) કરી રહી છે. ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા દેશના કેટલાક પસંદગીના લોકોને મળેલી છે.

નોંધનીય છે કે, જસ્ટિસ શરદ અરવિંદ બોબડે 18 નવેમ્બર 2019 ભારતના 47માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ બોબડેને CJI પદે શપથ લેવડાવ્યા હતા. 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ સીજેઆઇ રંજન ગોગોઇએ ન્યાયાધીશ બોબડેના નામની સીજેઆઈ પદ માટે ભલામણ કરી હતી.