મુખ્યમંત્રીએ ધારાસભ્ય ખેડાવાલા અને ગ્યાસુદિન શેખ- શૈલેષ પરમારને મદદની તત્પરતા વ્યક્ત કરી

જલ્દી સુસ્વાસ્થ્ય પ્રાપ્ત કરીને નાગરિકો લોકોની સેવામાં લાગી જવાની શુભેચ્છાઓ ફોનથી આપી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે બપોરે અમદાવાદ શહેરના ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર બેય આઇસોલેશનમાં છે ત્યારે તેઓ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ ઇમરાન ખેડાવાલા જે હાલ કોરોના વાયરસની બિમારી અંગે સારવારગ્રસ્ત છે તેમના ખબરઅંતર પૂછયા હતા તેમજ તેમને વધુ સારવાર વગેરેની કોઇ જરૂરિયાત હોય તો તે માટે મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી.

વિજય રૂપાણીએ ઇમરાન ખેડાવાલા સહિત આ ત્રણેય જનપ્રતિનિધિઓ ત્વરિત સ્વસ્થ થઇને ફરી પોતાના વિસ્તારના નાગરિકો-લોકોની સેવાના કાર્યોમાં લાગી જાય તેવી શુભેચ્છાઓ પણ આપી હતી.