મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 25 કરોડ રૂપિયા ભારતીય રેલવેને ચૂકવવાના મુખ્યમંત્રીનો આદેશ

28મી મે સુધીમાં ગુજરાતમાંથી 971 સ્પેશિયલ ટ્રેન મારફતે 14 લાખ 13 હજાર પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના થયા

મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.૨૮મી મે, ગુરૂવારની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૯૭૧ વિશેષ ટ્રેન દ્વારા આશરે ૧૪.૧૩ લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં સફળતાપૂર્વક મોકલવામાં આવ્યા છે. આમ સમગ્ર દેશમાં સૌથી વધુ ટ્રેનો મારફત સૌથી વધુ પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતને પહોંચાડવામાં ગુજરાત અગ્રેસર રહ્યુ છે.

મુખ્યમંત્રીએ પ્રવર્તમાન કોરોના વાયરસ અને લોક ડાઉન ની સ્થિતિમાં ગુજરાતમાં રોજી રોટી માટે વસેલા અન્ય રાજ્યોના શ્રમિકોને ખાસ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દ્વારા તેમના વતન પહોંચાડવા માટે માનવીય અભિગમ દર્શાવી 25 કરોડ રૂપિયા મુખ્ય મંત્રી રાહત નિધીમાંથી ના રેલવે મંત્રાલય ને ચૂકવવા ના આદેશો કર્યા છે.

મુખ્યમંત્રીના સચિવે વધુ જણાવ્યું કે સમગ્ર દેશમાંથી પરપ્રાંતિય શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં પહોંચાડવા માટે તા. ૨૮ મી મે ની મધરાત સુધીમાં કુલ ૩,૭૨૪ જેટલી ટ્રેન ચલાવવામાં આવી છે આ ટ્રેનો મારફ્ત સમગ્ર દેશમાંથી ૫૧,૬૫,૧૩૯ શ્રમિકો પોતાના વતને પહોંચ્યા છે.

આ ૩,૭૨૪ ટ્રેનો પૈકી ગુજરાતમાંથી સૌથી વધુ ૯૭૧ જેટલી ટ્રેનો દોડાવી ૧૪.૧૩લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં કોઇપણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે. પરપ્રાંતિય શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્ય પહોંચાડવા માટે સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી ૩,૭૨૪ ટ્રેન ચલાવવામાં આવી છે.

આ ૩,૭૨૪ ટ્રેનો પૈકી આંધ્રપ્રદેશમાંથી ૭૦, આસામમાંથી ૦૧, બિહારમાંથી ૨૧૨, ચંદીગઢમાંથી ૧૧, દિલ્હીમાંથી ૨૨૩, ગોવામાંથી ૩૯, હરિયાણામાંથી ૯૨, જમ્મુ-કાશમીરમાંથી ૧૯, ઝારખંડમાંથી ૦૨, કર્ણાટકમાંથી ૧૮૫, કેરલમાંથી ૫૮, મધ્યપ્રદેશમાંથી ૦૮, મહારાષ્ટ્રમાંથી ૭૪૯, નાગાલેન્ડમાંથી ૦૧, ઓરિસ્સામાંથી ૦૩, પોંડિચેરીમાંથી ૦૨, પંજાબમાંથી ૩૮૯, રાજસ્થાનમાંથી ૧૧૫, તમિલનાડુમાંથી ૧૮૮, તેલંગાણામાંથી ૧૩૧, ત્રિપુરામાંથી ૦૮, ઉત્તરપ્રદેશમાંથી ૨૧૦, ઉત્તરાખંડમાંથી ૧૩, પશ્ચિમ બંગાળમાંથી ૦૨ ટ્રેન અને સૌથી વધુ ગુજરાતમાંથી ૯૭૧ ટ્રેન ચલાવવામાં આવી છે.

સચિવ એ વધુમાં ઉમેર્યું કે તા. ૨૮મી મે મધરાત સુધીમાં ગુજરાતમાંથી અન્યો રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવા જે ૯૭૧ ટ્રેનો ચલાવવામાં આવી છે તેમાં ઉત્તરપ્રદેશ માટે ૫૫૭, બિહાર માટે ૨૩૦, ઓરિસ્સા માટે ૮૩, ઝારખંડ માટે ૩૭, મધ્યપ્રદેશ માટે ૨૪, છત્તીસગઢ માટે ૧૭ મુખ્યત્વે છે. વિવિધ જિલ્લાઓમાંથી આવી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચલાવી આશરે ૧૪.૧૩ લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે.