શું ગુજરાત સાંસ્કૃતિક રીતથી પછાત? CM રૂપાણી- રામચન્દ્ર ગુહા વચ્ચે ટ્વીટર વોર

ગુજરાતની સંસ્કૃતિ અને ઈતિહાસ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઈતિહાસકાર રામચન્દ્ર ગુહા વચ્ચે આજે ટ્વીટર વોર શરૂ થયું છે. જેમાં રામચન્દ્ર ગુહાએ વિવાદિત ટ્વીટ કરીને લખ્યું કે ગુજરાત આર્થિક રીતે આગળ પરંતુ સાંસ્કૃતિક રીતે પછાત રાજ્ય છે જ્યારે પશ્ચિમબંગાળ આર્થિક રીતે પછાત અને સાંસ્કૃતિક રૂપથી ખૂબ આગળ છે. તેમજ ટ્વીટમાં બ્રિટિશ લેખક ફિલિપ સ્પ્રેટના નિવેદનનો ઉપયોગ કર્યો જે તેમણે 1939માં લખ્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે અંગે જવાબ આપ્યો કે પહેલા બ્રિટિશોએ દેશને ભાગલા પાડવાનો અને રાજ કરવાનો પ્રયત્ન કર્યો. હવે એક ખાસ ગ્રુપ છે જે ભારતીયને વિવિધ-વિવિધ રૂપમાં વહેચવા માંગે છે. તેમજ કહ્યું કે દેશવાસીઓ આવી હરકતમાં આવશે નહીં ગુજરાત અને બંગાળ બન્ને મહાન છે ભારત એક છે. આપણી સાંસ્કૃતિક પાયો મજબૂત છે અને આર્થિક આકાંક્ષાઓ ઉંચી છે.

મુખ્યમંત્રીના આ નિવેદન પછી રામચંદ્ર ગુહાએ વધુ એક ટ્વીટ કરી સ્પષ્ટતા આપી છે. તેમણે લખ્યું છે કે જ્યારે હું કોઈ નિવેદન ટ્વીટ કરું છું ત્યારે તે મને સંશોધન દરમિયાન મળે છે માટે જરૂરી નથી કે હું તે અભિપ્રાયો સાથે સહમત છું આવી સ્થિતિમાં, તમે તમારો ગુસ્સો અથવા પ્રેમ માત્ર તે જ વ્યક્તિ માટે રાખવો જોઈએ જેનું નિવેદન છે.