કાયદાની ઐસીતૈસી: સોમનાથ મંદિરમાં હાર્દિક પટેલના દર્શનના સમયે સામાજિક અંતર ભૂલ્યાં કોંગી કાર્યકરો

ગુજરાત કોંગ્રેસ પ્રદેશના તાજેતરમાં કાર્યકારી પ્રમુખ તરીકે વરણી થયેલા હાર્દિક પટેલનો આજે જન્મદિવસ છે જેને પગલે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિરમાં આજે હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારો સાથે દાદાના દર્શન કરવા પહોંચ્યા છે. જોકે, હાલ કોરોના મહામારીને કેર ચાલી રહ્યો છે જેને કારણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ધાર્મિક સહિતના સ્થળે સોશિયલ ડિસ્ટનિસિંગ, માસ્ક પહેરવું સહિતના નિયમોનું પાલન કરવાનું હોય છે. જે અંતર્ગત સોમનાથ પરિસરમાં હાર્દિકની સાથે કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના કાયદાની ઐસીતૈસી કરી લીરેલીરા ઉડાવ્યા જેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં એવો સવાલ સર્જાઈ રહ્યો છે કે શું આ નિયમો માત્ર આમ જનતાને જ લાગુ પડે છે?

સોમનાથમાં ઝેડ પ્લસ સુરક્ષા હોવાના પગલે મંદિર પરિસરની અંદર ફોન કે કેમેરા લઇ જવાની મનાઈ છે પરંતુ કોંગ્રેસના કાર્યકરો મોબાઇલ અને કેમેરા સાથે લઈને આવ્યા હતા અને પ્રતિબંધિત વિસ્તારમાં હાર્દિક પટેલ સાથે સેલ્ફી લીધી હતી. સૂત્રો દ્રારા એવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે પૂજન અને દર્શન બાદ કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠક યોજી હતી જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન થયું નહોતું તેમજ બેઠકમાં હાર્દિક પટેલે પણ માસ્ક પહેર્યું નહોતું.