લોકડાઉન 14 એપ્રિલથી આગળ વધવાની શક્યતા, મોદી સરકાર વિચાર કરે છે

કેન્દ્ર સરકાર કોરોના વાઈરસને કારણે લગાવવામાં આવેલા 21 દિવસના લોકડાઉનને વધારી શકે છે. દેશની અમુક રાજ્યોની સરકારે લોકડાઉનને વધારવાનું સૂચન કર્યું છે. અમુક નિષ્ણાતોએ પણ કોરોના દર્દીઓમાં સતત વધારો થતા લોકડાઉનને અમુક સપ્તાહ સુધી વધારવા કહ્યું છે. જેને પગલે કેન્દ્ર સરકાર પણ લોકડાઉનને વધારવા વિચાર કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના વધતા પ્રકોપને લીધે વડાપ્રધાન મોદીએ 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું જે 14 એપ્રિલે સમાપ્ત થઈ જશે. આ સ્થિતિ વચ્ચે કોરોના વાઈરસના કેસોની સંખ્યા ઝડપથી વઘી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોના હજારથી વધારે કેસ સામે આવ્યા છે જ્યારે 24થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના 4481 કેસો છે જેમાંથી 114 લોકોના મોત નિપજ્યા છે.

મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી સહિત રાજ્યોમાં કોરોના દર્દીઓમાં અચાનક ઉછાળો થયો છે.તેલંગણા રાજ્યાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે લોકડાઉનને બે-ત્રણ સપ્તાહ સુધી વધારવામાં આવે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કહ્યું છે કે લોકડાઉનને તાત્કાલિક ના હટાવવુ જોઈએ. તેમજ તેને તબક્કાવાર રીતે દૂર કરવું જોઈએ. તેમજ અશોક ગેહલોત કહ્યું કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને લોકડાઉન લગાવવાનો અને હટાવાનો અધિકાર આપવો જોઈએ. લોકડાઉનને દૂર કરવાનો નિર્ણય સ્થાનિક ધોરણે જ હોવો જોઈએ.