કોરોનાનો વિક્રમી ઉછાળો: દેશમાં 24 કલાકમાં 7,466 કેસ, 175ના મોત

દેશભરમાં કોરોના રોગચાળાને પગલે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું જોકે, લોકડાઉનને 2 મહિનાનો સમય વીતી ગયો છે પણ કોરોના વાયરસ કાબૂમાં આવ્યો નથી. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે નવા જારી આંકડા અનુસાર કોરોના વાયરસના 7,466 કેસો નોંધાયા જ્યારે વધુ 175 લોકોને કોરોના ભરખી ગયો. જે સાથે દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 1,65,799 પહોંચી ગઈ છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 4,706 લોકોના મોત નિપજ્યા છે.

જોકે, છેલ્લા 24 કલાકમાં લગભગ 4 હજાર લોકો કોરોના વાયરસને માત આપીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે કુલ 71,106 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે.

દેશમાં સૌથી વઘુ કોરોના કેસો મામલે મહારાષ્ટ્ર રાજ્ય પ્રથમ નંબરે છે. જ્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા 60 હજારને નજીક પહોંચી ગઈ છે. જે પૈકી 1982 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે. જ્યારે બીજા નંબરે તમિલનાડુ છે જ્યાં 19, 372 કેસો નોંધાયા છે જે પૈકી 145 લોકોના મોત થયા છે.

ગુજરાતને પાછળ રાખીને દિલ્હી ત્રીજા નંબરે આવી ગયું છે. છેલ્લા 24 કલાકમાં 1,024 નવા કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 16,281 કેસો નોંધાય છે. જે પૈકી 316 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસોનો આંકડો 15,562ને આંબી ગયો છે. તેમજ મૃત્યુઆંક 960 પર પહોંચી ગયો છે.