ગુજરાતમાં આવતીકાલથી લોકડાઉનને હળવું કરાશે એ નક્કી

રાજકોટનું માર્કેટ યાર્ડ શરૂ કરવા જિલ્લા કલેકટરને ગુજરાત સરકારનો આદેશ

25મી માર્ચ થી ૨૧ દિવસ માટે શરૂ થયેલા લોકડાઉનનો સમય આવતીકાલે મંગળવારે પૂરો થઈ રહ્યો છે. સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે વધતા જાય છે. આમ છતાં અમેરિકા ઈટાલી અને સ્પેન વગેરે દેશોની સરખામણીમાં કોરોનાવાયરસ ભારતમાં ઘણો જ કંટ્રોલમાં છે.

બીજી બાજુ કોરોના વાયરસને પગલે દેશનું અર્થતંત્ર બિલકુલ ઠપ થઈ ગયું છે. જો આવી જ સ્થિતિ ચાલુ રહી તો આગામી દિવસોમાં દેશની હાલત ખૂબ જ કફોડી બની શકવાની દહેશત વ્યક્ત કરાય રહી છે.

દરમિયાનમાં મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોએ અગાઉથી જ લોકડાઉનને ૩૦મી એપ્રીલ સુધી લંબાવવાનો નિર્ણય જાહેર કરી દીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી જેમાં લોકડાઉન ચાલુ રાખવું કે કેટલો સમય લંબાવવ તેના સંદર્ભમાં તમામના અભિપ્રાયો મેળવ્યા હતા.

સૂત્રો જણાવે છે કે ભાજપના જ કેટલાક મુખ્યમંત્રીઓએ વડાપ્રધાનને એવું કહ્યું છે કે અર્થતંત્રને ધબકતું રાખવું પણ જરૂરી છે માટે જે વિસ્તારોમાં કોરોના વાયરસથી વધારે મૃત્યુ થયા નથી અને વધારે દર્દીઓ પણ નથી તેવા વિસ્તારોમાં લોકડાઉનમાં છૂટછાટો આપવી જોઈએ. વડાપ્રધાને પણ આવા રાજ્યોને એટલી છૂટ આપવાનું મન બનાવી લીધું છે.

વડાપ્રધાન મોદી આજે રાત્રે અથવા તો આવતી કાલે રાષ્ટ્ર જોગ મેસેજ આપી શકે છે જોકે તે અગાઉ જ ગુજરાત સરકારે લોકડાઉનમાં છૂટછાટ આપવા માટેની કવાયત હાથ ધરી દીધી છે જેના ભાગરૂપે સૌપ્રથમ રાજકોટના જિલ્લા કલેકટરને આદેશ આપ્યો છે કે ૧૫મી એપ્રિલથી રાજકોટ માર્કેટયાર્ડ ને શરૂ કરી દેવું જેને આધારે એવું અનુમાન થાય છે કે તમામ એપીએમસી માર્કેટ ને છૂટ આપી દેવાશે.

અમદાવાદના અને ગુજરાતના જે વિસ્તારોમાં વધુ કેસો છે અને મૃત્યુ થયા છે તેવા વિસ્તારો માટે કોઈ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે તે સિવાયના વિસ્તારોમાં નોકરી તથા રોજગાર અને વ્યવસાય તેમજ જનજીવન પૂર્વવત થાય તેવા પ્રયાસો કરાશે ઉપરાંત લોકોના ટોળા પણ કોઈ જગ્યાએ ભેગા ના થાય તેની ખાસ તકેદારી રખાશે ગુજરાતમાં લોકડાઉન હળવું કરાશે તે પ્રકારનો આડકતરો નિર્દેશ ગઈકાલની ઘટના પરથી પણ મળી જાય છે.

જેમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે સોમવારથી તમામ લોકો માટે માસ્ક પહેરવા નું ફરજિયાત બનાવ્યું છે ત્યાર બાદ ગઈકાલે જ સુરત રાજકોટ જેવા શહેરોમાં પણ માસ્ક ને ફરજિયાત કરાયું છે. ગુજરાતમાં કયા કયા શહેરો અને કેટલાક વિસ્તારોમાં લોકડાઉનમાં કેટલી છૂટ આપવામાં આવે છે તે આવતીકાલે ખબર પડી જશે.