કેન્દ્ર સમિતિઓ દર્દીઓની સારવારનું નિરીક્ષણ કરવા આવે છે કે ” ક્લીનચીટ ” આપવા ?: જયરાજસિંહ

કેન્દ્રની ટીમ અવાર નવાર આવી રાજ્યની જનતાની મશ્કરી કરે છે અને ગુજરાત સરકાર કોરોનાને નાથવામાં નિષ્ફળ રહી છે. કેન્દ્ર સરકારની અલગ અલગ સમિતિઓ અવાર નવાર ગુજરાતની મુલાકાતે આવે છે અને અમદાવાદની એસ.વી.પી. અને સીવિલ હોસ્પીટલ તથા અન્ય સરકારી હોસ્પીટલની મુલાકાત લે છે અને સાચા અર્થમાં ખામીઓ કે સૂચનો કરવાને બદલે જાણે કે ” ક્લીન ચીટ આયોગ ” હોય એમ માત્ર દેખરેખ જોઇ ક્લીન ચીટ આપી પરત ફરે છે. વારંવાર આવતી આ જુદી જુદી સમિતિઓ સાચા અર્થમાં કોરોનાની થતી સારવાર અને સરકારના વ્યવસ્થાપનને જોવા માટે આવે છે કે માત્ર જનતાની આંખમાં ધુળ નાખવા આવે છે એ સમજાતું નથી.

કેન્દ્રમાંથી આવતી આ સમિતિઓ જો ખરેખર જનતાની સુખાકારીની ચિંતા માટે કે સાચી સારવાર પદ્ધતિનું નિરીક્ષણ કરવા આવી હોત તો તંત્રને પૂછ્યું હોત કે હજુ ગુજરાત ટેસ્ટીંગમાં કેમ 21 મા ક્રમે છે ? પરંતુ અફસોસ કે આ સવાલ કર્યો નથી. ગુજરાત દેશમાં મૃત્યદરમાં કેમ સૌથી અગ્રેસર છે તે સવાલ કર્યો નથી. સ્મશાનના આંકડા કેમ આપવના બંધ કરવામાં આવ્યા તે સવાલ સમિતિએ કર્યો નથી. સિવિલ હોસ્પીટલમાં વેન્ટીલેટરની સ્થિતિ, ધમણની સ્થિતિ અને દર્દીઓને પડતી હાલાકીના સવાલ પુછવાના બદલે માત્ર વ્યવસ્થા સારી છે એના જ ગુણગાન ગાઈ ને નીકળી જાય છે અને પ્રજાની હાલાકી એના એજ રહે છે.

જો વ્યવસ્થા જ સારી હતી તો કેમ ટીમ મુલાકાતે આવી ?

જો બધી વ્યવસ્થા સારી જ છે તો કેમ રાજ્યમાં કોરોનાનો આંક વધી રહ્યો છે ?ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો આંક 50 હજારને પહોચવા થયો ત્યારે ગુજરાત સરકારનું વ્યવસ્થાપનતંત્ર અને આરોગ્ય તંત્ર શુ કરે છે ?? તેના જવાબ ગુજરાતની જનતા જાણાવા માંગે છે. કેન્દ્રની ટીમ અવાર નવાર આવી રાજ્યની જનતાની મશ્કરી કરીને જતી રહે છે અને જનતાની મુશ્કેલીઓ ઠેર ના ઠેર રહે છે.