સરકારને ખેડૂતોની જમીન હડપવામાં કોરોના નથી નડતો ?: ખેડૂત એકતા મંચ

ગુજરાત સરકાર તમામ કામો માટે કોરોનનું કારણ આગળ ધરી દે છે. પરંતુ, ખેડૂતોની જમીન પડાવવાની વાત આવે એટલે એને કોરોના મહામારી જરાય નડતી નથી એવા આક્રોશ ખેડૂત એકતા મંચ ના આગેવાન સાગર રબારી એ વ્યક્ત કર્યો છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામે ભરૂચ જિલ્લા કલેકટરશ્રી, ડીવાયએસપી સહિત પોલીસનો મોટો કાફલો લઈને આવ્યા અને 40થી વધારે ખેડુની અટકાયત કરી સત્તાના બળે ખેડૂતોના ઉભા પાક પર બુલડોઝર ફેરવી દીધા છે.

આ ખેડૂતોની જમીનના વળતરના ભાવ નક્કી થયા નથી, કલેકટર અને ખેડૂતો વચ્ચે મિટિંગો ચાલતી હતી છતાં, અચાનક જ, સત્તાના બળે ભારતીય જનતા પાર્ટીની સ્ક્ર ખેડૂતોની ફળદ્રુપ જમીન ઉપર ઉભા પાક ઉપર બુલડોઝર ફેરવી રહી છે.ખેડૂતોના વળતર નક્કી કરવા અને પૈસા ચુકવવામાં કોરોના નડે છે પરંતુ જમીન પડાવવામાં કોરોના નડતો નથી. સરકારનું આ પગલું તદ્દન ગેરકાયદે, સત્તાને બળે લેવાયેલું છે.

આ જમીન મહામારીમાં હોસ્પિટલ બાંધવા જેવા તાત્કાલિક કામ માટે લેવાઈ નથી, વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવે માટે લેવાઈ છે. મહામારી પુરી થાય, ખેડૂતોના પાક લેવાઈ જાય ત્યાં સુધી હાઈવેનું કામ રોકવાથી કોઈ પહાડ તૂટી પડવાના નહોતા. વડોદરા-મુંબઈ વચ્ચે હોલ 6 લેન નેશનલ હાઇવે ચાલુ જ છે, તો પછી આટલી બધી ઉતાવળ અને ખેડૂતો પર જબરદસ્તી કોના લાભાર્થે કરાઈ તે સવાલ છે.પોતાની જમીનનું વળતર માંગતા ખેડૂતને પૈસા ચુકવવાને બદલે જેલ હવાલે કરીને જમીન પડાવે એવું તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરી શકે…!

ખેડૂતો પાસેથી વળતર ચૂકવ્યા પહેલા જ બળજબરીથી જમીન પડાવવાના સરકારના જોહુકમીભર્યા પગલાંનો ખેડૂત એકતા મંચ સખ્ત વિરોધ કરે છે અને ખેડૂતોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપે છે.