ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

CM વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં હાઈપાવર કમિટીની બેઠક યોજાઈ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી જિલ્લાના વિસ્તારોમાં સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે બચાવ, સુરક્ષાત્મક પગલાંઓ માટેની સંબંધિત જિલ્લાતંત્રોની અને રાજ્ય સરકારની તૈયારીઓ તથા સજ્જતા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીએ મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ અને મુખ્ય સચિવ અનિલ મુકિમ તથા રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબંધિત જિલ્લાના કલેકટરો પાસેથી પરિસ્થિતીનો જાયજો મેળવ્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા. ૩ જૂને દમણ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાના નીચાળવાણા વિસ્તારમાં વાવાઝોડાના કારણે પ્રતિ કલાક ૯૦ થી ૧૧૦ કિ.મી.ના ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સ્થિતિને પહોંચી વળવા વાવાઝોડા સંભવિત વિસ્તારોમાં NDRFની ૧૦ અને SDRFની ૫ ટીમ તહેનાત છે તેમજ જરૂર પડયેથી વધુ ટીમો પણ નજીકના વિસ્તારમાં અનામત રાખવામાં આવી છે. જે ત્વરિત બચાવ રાહત માટે જરૂરીયાત મુજબ પહોચાડી દેવાશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જિલ્લાના લોકોને તા. ૩ અને ૪ જૂને જરૂર વિના બહાર ન નીકળવા અપીલ કરી છે. જેમાં ખાસ કરીને ગંભીર રોગથી પીડાતા લોકો, વૃદ્ધો અને બાળકોની આ પરિસ્થિતિમાં ખૂબ કાળજી રાખવી પડશે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ દરિયા કિનારા વિસ્તારોમાં માછીમારી કરતાં માછીમારો, ઝીંગા ફાર્મમાં કામ કરતાં લોકો તેમજ અગરિયાઓ સહિતના નીચાણવાળા વિસ્તારોમા રહેતાં લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની કામગીરી આવતીકાલ મંગળવારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પૂર્ણ કરવા સંબંધિત જિલ્લાઓ કલેકટર્સને સૂચના આપી હતી.

તેમણે સ્પષ્ટપણે તાકીદ કરી કે આવા સ્થળાંતર દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય, માસ્કનો ફરજીયાત ઉપયોગ થાય તેની કાળજી લઇને કોરોના સંક્રમણનો વ્યાપ ન વધે તે કલેકટરો અને આરોગ્ય વિભાગ સુનિશ્ચિત કરે.આ સંભવિત વાવાઝોડાને કારણે દમણ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓ હાઈ એલર્ટ પર તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાઓ એલર્ટ પર છે.

આ જિલ્લામાં ભારે પવન અને વરસાદની સંભાવના છે ત્યારે આવા જિલ્લાઓમાં વીજ પુરવઠો ન ખોરવાય તેમાં પણ ખાસ કરીને જે શહેરોમાં કોવિડ-૧૯ની હોસ્પિટલો આવેલી છે ત્યાં અગાઉથી જનરેટર જેવી આનુષંગિક વ્યવસ્થા અત્યારથી જ કરી દેવાય તેની ખાસ સૂચનાઓ આપી હતી અને આ વિસ્તારોની હોસ્પિટલો તેમજ આરોગ્ય તંત્રને પણ અત્યારથી એલર્ટ કરી દેવામાં આવ્યા છે તેમ તેમણે કહ્યું હતું.

રાજ્યમાં કોઈ પણ વિસ્તારમાં વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં જરૂરિયાતવાળા લોકોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાનો સ્ટેટ કન્ટ્રોલ રૂમ તેમજ તમામ જિલ્લાઓમાં જિલ્લા કન્ટ્રોલ રૂમ પણ ૨૪X૭ કલાક શરૂ કરી દેવામાં આવ્યા છે જે સતત માહિતીનું આદાન-પ્રદાન કરતા રહેશે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ સંભવિત વરસાદ વાવાઝોડા દરમિયાન આ વિસ્તારમાં આવેલાં માર્કેટ યાર્ડમાં રહેલું ખુલ્લુ અનાજ, શાકભાજી અને ફળફળાદી જેવી કૃષિ પેદાશોને નુકસાન ન થાય તે હેતુથી તેના રક્ષણની આગોતરી જરૂરી વ્યવસ્થા કરવા પણ સંબંધિતોને સૂચના આપી હતી.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જણાવ્યું હતુ કે, વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં લોકોનું સ્થળાંતર કરતી વખતે રેસ્ક્યૂ ટીમોએ માસ્ક, હેન્ડ સેનિટાઈઝર્સ અને PPE કિટ્સ જેવાં જરૂરી સાધનોથી પણ સજ્જ થવું પડશે. અત્યારથી જ સંભવિત વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ ઝોન તેમજ કોવિડ હોસ્પિટલોમાં રહેલાં દરદીઓની યાદી તૈયાર રાખવી પડશે જેથી આગળની વ્યવસ્થા સુચારુ રીતે થઈ શકે. જે તે વિસ્તારમાં શાળા-કોલેજમાં શેલ્ટર હોમની વ્યવસ્થા પણ અત્યારથી જ કરી દેવાની રહેશે તેમ તેમણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત જિલ્લા કલેકટર્સશ્રીઓને જરૂરી સૂચનો કરતા જણાવ્યું હતું.

આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીશ્રીઓ, રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા, ભારતીય હવામાન વિભાગના ગુજરાત પ્રદેશના નિયામક શ્રી જયંત સરકાર, NDRF અને SDRFના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને જરૂરી સૂચનો કર્યાં હતા.
સી.એમ-પીઆરઓ/અરૂણ