ઇજાગ્રસ્ત મહિલા પોલીસકર્મીની દાખલારૂપ ફરજ નિષ્ઠા

અકસ્માતમાં થયેલી પાટાપિંડી સાથે બજાવી રહ્યા છો ફરજો

કોરોના સંકટએ કટોકટી અને કસોટીનો સમય છે. કસોટી અને કટોકટીના આ આપદ કાળમાં પોલીસ જવાનો સહિત કર્મયોગી કર્મચારીઓની કોઠાસૂઝ,સેવા ભાવના અને કોઈપણ સંજોગોમાં ફરજ બજાવવાની તત્પરતાના ઉજ્જવળ ઉદાહરણો પ્રકાશમાં આવી રહ્યા છે. આવો જ એક દાખલો રાવપુરા પોલીસ મથકના પોલીસ મહિલા જ્યોતિબહેન મનુભાઈ પરીખે બેસાડ્યો છે જેઓ તાજેતરમાં એક અકસ્માતમાં ઘાયલ થવા છતાં પાટાપિંડી સાથે ખડે પગે કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજો અદા કરી રહ્યા છે.

તેઓ તાજેતરમાં માર્ગ અકસ્માતમાં ઘવાયા હતા અને તેના પગલે થયેલી ઈજાઓને લીધે પાટાપિંડી કરાવવી પડી હતી.જો કે તેઓ આ ઈજાઓ અને પાટા પિંડીની લગીરેય ચિંતા કર્યા વગર પોતાની ફરજો માં જોડાય ગયા છે.

નાયબ પોલીસ કમિશનર સંદીપ ચૌધરીએ તેમની આ કાર્ય તત્પરતાને બિરદાવતાં જણાવ્યું છે કે જ્યોતિબહેનની ફરજ માટેની આ ધગશ પ્રસંશાને પાત્ર છે અને શહેર પોલીસ દળના આવા કર્મયોગીઓ વડોદરા શહેર પોલીસની સાથે સમસ્ત પોલીસ પરિવારનું ગૌરવ વધારી રહ્યા છે.