અમદાવાદ, સુરત અને વડોદરામાં લૉકડાઉનના ચુસ્ત અમલ માટે પેરા મિલિટરી દળની પાંચ કુમક ફાળવાઈ

www.fakenews.gujaratcybercrime.org વેબસાઈટ કાર્યરત

રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ કહ્યું છે કે, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં કોરોના સંક્રમણને ઝડપભેર રોકવા લૉકડાઉનના ચુસ્ત અમલ માટે કેન્ર્વ સરકાર દ્વારા પેરા મિલિટરી દળની પાંચ કુમક ફાળવાઈ છે. જેમાં 2 બીએસએફ, 2 સીઆઈએસએફ અને 1 સીઆરપીએફની મહિલા ટુકડીનો સમાવેશ થાય છે.

જે પૈકી અમદાવાદમાં 2, સુરતમાં 2 તથા વડોદરામાં 1 કુમક ફાળવવામાં આવી છે તેમજ રેપીડ એક્શન ફોર્સની 4 કંપનીઓ કાર્યરત રહેશે.

ઝાએ ઉમેર્યું હતું કે, કોરોના વાયરસ સબંધિત ખોટા સમાચારો તથા ખોટી માહિતીને ઓળખવાનો અને શક્ય તેટલી કોરોના વાયરસ સંબંધિત અધિકૃત માહિતીનો પ્રચાર અને પ્રસાર કરવાના હેતુથી તેમજ સોશ્યલ મીડિયા દ્વારા ફેલાતી અફવાઓ અને ખોટી માહિતીને નશ્યત કરવા રાજ્યના સાયબર સેલ દ્વારા www.fakenews.gujaratcybercrime.org વેબસાઈટ કાર્યરત કરવામાં આવી છે, જેના ઉપર નાગરિકો અફવા કે ખોટી માહિતી અંગેની ખરાઈ અને ફરિયાદ પણ કરી શકશે.