બિહારના 11 જિલ્લામાં પૂરનો પ્રકોપ યથાવત્; 24 લાખથી વધુ લોકોને અસર

બિહારના 11 જિલ્લામાં પુરનો પ્રકોપ યથાવત છે, આ જિલ્લાની 765 પંચાયતની 24 લાખથી વધુની જનસંખ્યા અસરગ્રસ્ત થઈ છે. સીતામઢી, દરભંગા, અને પૂર્વ ચંપારણ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યાં છે. રાજ્યમાં NDRFની 17 અને SDRFની 8 ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે.

એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા પુરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ મોકલામાં આવી રહ્યાં છે. 1 લાખ 67 હજારથી વધુ લોકોને પુરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે પુરપ્રકોપના કારણે રાજ્યમાં 8 લોકોનાં મોત થયા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે.

તો હવામાન વિભાગે નેપાળ અને બિહારમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ તરફ આસામમાં છેલ્લાં 24 કલાકમાં પુરની સ્થિતિમાં આંશિક સુધારો થયો છે. પુર અસરગ્રસ્ત લોકોની સંખ્યા 24 લાખથી ઘટીને 22 લાખ 33 હજાર જેટલી થઈ ગઈ છે.

તો પુરપ્રકોપનાં કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 103 લોકોએ જીવ ગુમાવ્યો છે. હજી પણ રાજ્યના 33 માંથી 22 જિલ્લાના 2 હજાર 26 ગામ જળબંબાકારની સ્થિતિમાં છે. જ્યારે આ જિલ્લામાં 1 લાખ 9 હજાર 236 હેક્ટર જમીનમાં વાવણી કરેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રાહતની વાત એ છે કે., 7 જિલ્લાઓમાં મુખ્ય નદીઓનું જળસ્તર ભયજનક સપાટીથી નીચે આવ્યું છે. રાજ્યમાં 259 રાહત શિબિર કેન્દ્રો કાર્યરત કરાયા છે , જેમાં 45 હજારથી વધુ લોકો આશ્રય લઈ રહ્યાં છે.