રાજ્ય બહારની ફિશિંગ બોટો સામે સીમા ઉલ્લંઘન બદલ રૂ. 1 લાખના દંડની જોગવાઈ: પ્રદિપસિંહ જાડેજા

પાકિસ્તાન સિક્યુરિટી દ્વારા ભારતીય ફિશિંગ બોટના અપહરણ અટકાવવા કડક પગલાં લેવાશે

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સીમાઓ પસાર થાય છે. આ દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત થાય તે હેતુસર ગુજરાત મત્સ્યોદ્યોગ વટહુકમ-૨૦૨૦ બહાર પાડવામાં આવ્યો છે.

જાડેજાએ ઉમેર્યું હતુ કે, પાકિસ્તાન સિક્યુરિટી દ્વારા ભારતીય ફિશિંગ બોટના અપહરણ અટકાવવા બોટ માલિકો સામે કડક પગલાં લેવાશે. ગુજરાત ૧૬૦૦ કિ.મી.નો દરિયાકાંઠો ધરાવે છે. જેમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકના વિસ્તારમાં ગુજરાતના તેમજ અન્ય રાજ્યોના માછીમારો ‘લાલ પરી’ નામનું વિશિષ્ઠ પ્રકારનું સારું મત્સ્ય પકડવાની લાલચમાં પ્રવેશી જતા હોય છે. જેના કારણે પાકિસ્તાન સીક્યુરીટી દ્વારા ભારતીય ફીશીંગ બોટોના અપહરણના બનાવો બનતા રહે છે.

તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષાનાં સંદર્ભમાં રાજયની મરીન પોલીસને ગુજરાતના પ્રાદેશિક જળ વિસ્તારમાં માછીમારી કરતી કોઈ પણ પ્રકારની ફીશીંગ વેશેલ્સ/બોટ/ક્રાફ્ટ/ડીપસી બોટ અથવા અન્ય કોઈ યાંત્રીક ૨ચના કે મછવોની તપાસ અને જપ્તી એટલે કે સર્ચ અને સીઝરની સત્તાઓ આપવા માટે જરુરી પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ માટે રાજયના મરીન પોલીસ સ્ટેશનમાં નિમણૂંક કરાયેલ પોલીસ સબ ઈન્સપેક્ટર કે તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીઓને અમલ બજવણી અધિકારી જાહેર કરી તેમને વિશેષ સત્તાઓ સોંપવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્ય બહા૨ની ફિશિંગ બોટો દ્વારા રાજ્યના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી બોટો સામે રૂ. ૧ લાખ (અંકે રૂપિયા એક લાખ)ના દંડની જોગવાઈ તથા આ બોટમાં મળેલ મત્સ્ય પકડાશની હરાજી કરતા જે રકમ મળે તેની પાંચ ગણી ૨કમ વસુલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.