ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોરોના પોઝિટિવ આવ્યો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એક સમયે ભાજપ તથા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા શંકરસિંહ વાઘેલા પણ કોરોનાનો શિકાર થયા છે. આજે સાંજે બાપુને પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે જેને પગલે શંકરસિંહ વાઘેલાના સમર્થકોમાં ભારે આઘાત પ્રસર્યો ગયો છે. નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદના કમિશનર મુકેશકુમારને આ સંદર્ભમાં સૂચનાઓ આપી હતી. જેમાં શંકરસિંહ વાઘેલાને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે તેવી વ્યવસ્થા રાખવાનું જણાવ્યું છે જેને પગલે શંકરસિંહ વાઘેલાને અમદાવાદની મેમનગરમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલના ડીલક્સ રૂમમાં દાખલ કરવાનો નિર્ણય કરાયો છે.

જોકે, શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહએ અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશોને એવું કહ્યું છે કે આવતીકાલે સવારે તે પોતાના પિતાના દાખલ કરવા માટે આવશે જ્યારે સરકારના અધિકારીઓ તેવું સમજાવી રહ્યા છે કે શક્ય હોય તો શંકરસિંહ વાઘેલાને મોડી રાત્રે પણ હોસ્પિટલમાં લાવીને દાખલ કરી દો જેથી તેમની સારવાર ચાલુ થઈ જાય.

ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં જ NCPના સેક્રેટરી સહિત તમામ પદેથી રાજીનામુ NCPના સુપ્રીમો શરદ પવારે સોપ્યુ હતું.