મહામારીમાં ભગવાન જાણે આગળ શું થશે: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલની મુલાકાત લીધી અહીં પણ ત્રણસો દર્દીઓને સારવાર કરવાની જાહેરાત

આખરે આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઘણો વખત પછી દેખા દીધી છે. આજે બપોરે નીતિન પટેલ અને આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ સિવિલ કેમ્પસમાં આવેલી યુ.એન મહેતા હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા.

આ સમયે નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લોકડાઉનનો સમય લાંબો રાખ્યા પછી પણ કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. જોકે દર્દીઓની સંખ્યામાં વધારો થશે એવી આશંકા અમને પહેલેથી જ હતી આ મહામારીમાં હવે આગળ શું થશે એ તો ભગવાન જ જાણે.

યુ એન મહેતા હોસ્પિટલમાં પણ હવે પછીથી કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરવામાં આવશે. યુ.એન મહેતા હોસ્પિટલમાં કોરોના વાયરસના ત્રણસો દર્દીઓની સુવિધા ઉભી કરવામાં આવી છે.

ઉપરાંત અમદાવાદની 42 ખાનગી હોસ્પિટલોને પણ કોરોનાના દર્દીઓ માટે તૈયાર રાખવામાં આવી છે. ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાની આશંકા પહેલેથી જ સરકારને હતી જેને પગલે સરકારે તમામ આગોતરા પગલાં લીધા હતા હવે થી યુ.એન.મહેતા હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓની સહાય કરાશે.

નીતિન પટેલે પત્રકારોને પૂછેલા પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે એક મૃતક મહિલાના પગમાંથી ઝાંઝર ચોરી લેવાયા હોવાની વાત તદ્દન ખોટી છે વાસ્તવમાં આ મૃતક મહિલાના સગાઓએ જ તેમના પગ માંથી ઝાંઝર કાઢી લીધા હતા જેનું વિડીયો રેકોર્ડિંગ પણ અમારી પાસે છે. લોકો ખોટા આક્ષેપો કરે છે દાણીલીમડામાંથી મળેલા મૃતદેહ અંગે પણ તેઓએ સ્પષ્ટતા કરી હતી કે આ પુરુષને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી પરંતુ તે પોતાની ઘરે ગયા ન હતા અને કેટલાક પ્રશ્નોના જવાબ અને લઈને પણ નીતિન પટેલે સિવિલ હોસ્પિટલને લગભગ ક્લીનચિટ આપી દીધી છે.

અત્રે નોંધનીય છે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના મહત્તમ દર્દીઓના મૃત્યુ થયા છે એટલું જ નહીં કેટલાય દર્દીઓ દાખલ થયા પછી ગુમ થયા હોવાની પણ ફરિયાદો થઇ હતી એટલું જ નહીં પોરબંદરના કોંગ્રેસના આગેવાનો મૃતદેહ ૮ દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રખાયો હતો જેની જાણકારી પણ તેમના પરિવારજનોને હતી નહીં.

સિવિલ હોસ્પિટલમાં નવા દર્દીઓને દાખલ કરાતા નથી એ પ્રકારની અનેક ફરિયાદો પણ આવી છે પરંતુ આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ તમામ બાબતોનો છેદ ઉડાડી દીધો છે અને સબ સલામત ની જેમ બધું જ સારું છે એ પ્રકારની વાતો મીડિયા સમક્ષ કરી હતી.