સારા સમાચાર: ગાંધીનગર, પાટણ, પોરબંદર અને રાજકોટમાં કોરોના વાયરસના દર્દીઓ વધતા નથી

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ સારા સમાચારએ પણ છે કે રાજ્યના કેટલાક શહેરો એવા છે કે જ્યાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો નથી એટલું જ નહીં આવા શહેરોમાંથી દર્દીઓ જલ્દીથી સાજા થઇ રહ્યા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી રહી છે.

જ્યાં સંખ્યામાં વધારો નથી થઈ રહ્યો જેવા શહેરોમાં પાટનગર ગાંધીનગર તથા મુખ્યમંત્રીનું વતન રાજકોટ અને ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ ૧૩૧ દર્દીઓ સાજા થયા છે ગઈકાલે સોમવારે એક જ દિવસમાં અમદાવાદમાંથી ૨૫ દર્દીઓ જ્યારે ભાવનગરમાંથી એક દર્દીને સાજા થઈ જતાં રજા આપવામાં આવી હતી. હોસ્પિટલના નિષ્ણાતો કહે છે કે આગામી દિવસોમાં ગુજરાતમાંથી વધુ ને વધુ દર્દીઓ સાજા થઇ જશે.