સુરતની ખાનગી હોસ્પિટલે કોરોના દર્દીનું અધધધ….. બિલ બનાવી વસૂલ્યુ

એક બાજુ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. બીજી બાજુ રાજ્યના સુરત શહેરમાં આવેલી હોસ્પિટલે કોરોના દર્દી પાસેથી 12 લાખથી વધુ રૂપિયાનું બિલ વસૂલીને ઉંઘાડી લૂંટ ચલાવી છે.

સુરતના ઝાપા બાજાર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય ગુલામ હૈદર શેખને 13 મે શરદી-ઉધરસ થતા તેમણે ફેમિલી ડોકટરને બતાવ્યુ પરંતુ કોરોના વાયરસના લક્ષણો જણાતા ગુલામ હૈદરને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ડોકટરોએ તેમના પરિવાર જનોને કહ્યું કે ગુલામ હૈદરની તબિયત ગંભીર છે અને તેમને વેન્ટિલેટર પર રાખવા પડશે. ડોકટરોએ તેમનો કોરોના ટેસ્ટ કર્યો જે પોઝિટિવ આવ્યો બાદ આગામી 48 કલાકમાં ફરી રિપોર્ટ કર્યો તો નેગેટિવ આવ્યો.

જે દરમિયાન ગુલામ હૈદરને હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં રાખ્યા હતા જેને પગલે પરિવારના લોકોને મળવાની પણ મંજૂરી અપાઈ નહોતી માત્ર મોબાઈલથી વિડિયોકોલ કરીને વાતચીત થતી હતી. તેમજ ડોકટરોએ જણાવ્યું કે ગુલામના ફેફસા ખરાબ થઈ ગયા છે.

14 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યા બાદ શનિવારે સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી પરંતુ બિલ જોઈને પરિવારના લોકો ચોંકી ઉઠ્યા. હોસ્પિટલે તેમને પાસેથી સારવારના 12.23 લાખ રૂપિયાનું બિલ વસૂલ્યુ.