ગુજરાતમાં આજે 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા: કુલ 73 કેસ પોઝિટિવ: પાંચ દર્દીઓ સાજા થયા

– કોરેન્ટાઈનમાં રહેલા વ્યક્તિઓના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે 1100 નંબર હેલ્પ લાઇન

– નિષ્ણાત તજજ્ઞો દ્વારા 24 કલાક ટેલી એડવાઇઝ અપાશે

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે રાજ્યના નાગરિકો લોક ડાઉનનો ચુસ્તપણે અમલ કરે અને સૌ સંયમ રાખીને ઘરમાં જ રહે તે અત્યંત અનિવાર્ય છે.

આજે રાજ્યમાં કોરોના વાયરસની અપડેટેડ વિગતો મીડિયાને આપતા ડૉ. રવિએ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરરોજ કોર કમિટીની બેઠક યોજાય છે જેમાં રાજ્ય સરકારે લીધેલ તમામ પગલાઓની ઘનિષ્ઠ ચર્ચા વિચારણા કરવામાં આવે છે.

કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને હોટસ્પોટ જાહેર કરાયું છે જેની સામે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવ થઈને ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરના ક્લસ્ટર માં જે કેસો નોંધાયા છે ત્યાં ક્લસ્ટર કન્ટેન્ટ પ્રોટોકોલ મુજબ સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવી દીધી છે. આ વિસ્તારોમાં વસતા વૃદ્ધો-વયસ્કોનું પણ પરીક્ષણ કરી ખાસ કાળજી લેવાશે ઉપરાંત આ વયસ્કોને જે સામાન્ય રોગ છે તેની દવાઓ-સારવાર સમયસર લેવા પણ અનુરોધ કરાયો છે.
તેમણે ઉમેર્યું કે આજે 3 નવા પોઝિટિવ કેસ ઉમેરાયા છે એમાં એક અમદાવાદના ૫૫ વર્ષના પુરુષ, ગાંધીનગરના ૩૨ વર્ષના એક મહિલા અને એક ૨૮ વર્ષના રાજકોટના પુરુષનો કેસ છે જે તમામ લોકલ ટ્રાન્શમીશન ધરાવે છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩૯૬ સેમ્પલ નું ટેસ્ટિંગ કરાયું છે તે પૈકી ૧૩૨૨ નેગેટિવ, ૭૩ પોઝિટિવ અને એક પેન્ડિંગ કેસ છે. જિલ્લાવાર પોઝિટિવ કેસની વિગતો આપતા ડૉ. રવિ એ કહ્યું કે અમદાવાદ જિલ્લામાં ૨૩, સુરતમાં ૦૯, રાજકોટમાં ૧૦, વડોદરામાં ૦૯, ગાંધીનગરમાં ૧૧, ભાવનગરમાં ૦૬, ગીર સોમનાથમાં ૨ અને કચ્છ,મહેસાણા અને પોરબંદરમાં જિલ્લા દીઠ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જે ૭૩ કેસ પોઝીટીવ છે જેમાં ૬૦ દર્દી સ્ટેબલ છે, બે વેન્ટિલેટર પર તથા પાંચ દર્દીઓ પ્રોટોકોલ મુજબ ફરીથી ટેસ્ટ કરીને ટેસ્ટ નેગેટિવ આવતાં તેમને ડિસ્ચાર્જ પણ અપાયું છે.
ડૉ. રવિએ ઉમેર્યું કે રાજ્યમાં કોરોના વાયરસના ચેપગ્રસ્ત દર્દીઓને અને તેમના કુટુંબીજનોને તેમ જ સંપર્કમાં આવેલા વ્યક્તિઓને આઇસોલેશન અથવા હોમ કોરેન્ટાઈન કરાયા છે.

આવા વ્યક્તિઓને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને સમસ્યાઓ માટે રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન જીવીકે ઈ.એમ.આર.આઈ ૧૦૮ કઠવાડા ખાતે શરૂ કરાઇ છે. આવા લાભાર્થી દર્દીઓને ૨૪ કલાક માટે નિષ્ણાત, એમબીબીએસ, એમ ડી, ફિઝિશિયન, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને સાઇકીયાટ્રીસ્ટ તબીબો દ્વારા ટેલી એડવાઇઝ પણ આપવામાં આવી રહી છે આ ઉપરાંત અમદાવાદ ખાતે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ ઉપર સવારના ૯ થી ૧૦ વચ્ચે ફોન કરીને ટેલી મેડિસિનની સુવિધા પણ મેળવી શકશે.

ડૉ. રવિએ કહ્યું કે અમદાવાદ,સુરત, વડોદરા, ભાવનગર, જામનગર તથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદની ત્રણ ખાનગી લેબોરેટરી ન્યુ બર્ગ સુપ્રાટેક લેબોરેટરી, યુનિપથ લેબોરેટરી અને પાનજીનો મિક્સ લેબોરેટરી અમદાવાદને પણ ટેસ્ટિંગ ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા માસ્ક અને સેનીટાઈઝરને જરૂરિયાતની વસ્તુમાં સામેલ કરી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં એન-૯૫ માસ્ક ૯.૭૫ લાખ, પીપીઈ કીટ ૩.૫૮ લાખ અને ટ્રીપલ લેયર માસ્કનો ૧.૨૩ કરોડનો જથ્થો ઉપલબ્ધ છે. એજ રીતે કોવિદ-૧૯ અંગેની પ્રોફાઈલેકસીસ માટેની ટેબલેટ હાઈડ્રોકસી કલોરોકવિન દવાને શીડ્યુલ H1 ડ્રગ તરીકે જાહેર કરી છે જેથી આ દવા માત્ર ને માત્ર અધિકૃત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ મળી શકે છે.
એન-૯૫ માસ્ક, ટ્રીપલ લેયર માસ્ક આરોગ્ય કર્મીઓને પુરા પડાયા છે અને વધારાના દસ લાખ મંગાવાયા છે જે ૧૦૮ સાથે સંકળાયેલા આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ તથા અન્ન નાગરિક પુરવઠા વિભાગની દુકાનોના કર્મીઓને પણ પૂરા પાડવાનો નિર્ણય કરાયો છે.