પ્રથમ 10 સ્વચ્છ શહેરોમાં ગુજરાતના ચાર શહેરોને સ્થાન મળતા ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું

ગુજરાતના બે સપૂતો પૂજ્ય મહાત્મા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની સ્વચ્છતા ના આગ્રહ અને અપીલ જનતાએ સ્વીકારી ગુજરાતના મહાનગરો ને સ્વચ્છ સર્વેક્ષણમાં ટોપ 10માં સ્થાન અપાવ્યુ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ભારત સરકારના સ્વચ્છ શહેરી સર્વેક્ષણ 2020ના જાહેર થયેલા પરિણામ માં ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે.
દેશના પ્રથમ 10 મહાનગરોમાં ગુજરાતના 4 મહાનગરને સ્થાન મળ્યું તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા છે. કોરોનાના કપરા કાળમાં પણ રાજ્યના ચાર શહેરો સુરત,અમદાવાદ, રાજકોટ અને વડોદરાએ આ સ્વચ્છતા સર્વેક્ષણ માં અનુક્રમે દ્વિતીય, પાંચમું, છઠ્ઠું અને દસમું સ્થાન મેળવ્યું છે તેને મુખ્યમંત્રીશ્રી એ બિરદાવ્યા હતા.

મુખ્યમંત્રીએ ગુજરાતની જનતા, મહાનગરોના મેયરશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ અને કમિશનરશ્રીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના હમેશા આગ્રહી હતા. લોકલાડીલા અને ગુજરાતી એવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીબાપુના એ આ અભિયાનને સ્વછાગ્રહ ના જન આંદોલનથી આગળ વધાર્યુ છે. ગુજરાતના બંને સપૂતોની અપીલને ગુજરાતની જનતાએ સ્વીકારી છે અને ગુજરાત ના શહેરો સ્વચ્છ સર્વેક્ષણ માં પ્રથમ દસમા સ્થાન પામ્યા છે તેનો હર્ષ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના નગરો ક્લીન અને ગ્રીન સીટી બને તે આવશ્યક છે. ગુજરાતના શહેરો વૈશ્વિક કક્ષાના બને તે દીશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે ત્યારે આ સર્વેક્ષણ સૌનો ઉત્સાહ વધારનારા બનશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીશ્રી હરદીપસિંહ પુરીએ ગુજરાત સરકારની સ્વચ્છતા સંદર્ભે કામગીરીનો ઉલ્લેખ કર્યો તે માટે આભાર વ્યક્ત કર્યો હતો.