જલગાવમાં ખેતીની જમીન ધરાવતા ‘બત્રીસ લક્ષણા’ પાટીલનેને પ્રદેશ પ્રમુખ બનાવવા પડ્યા

‘જેવો ગુન્હાનો વ્યાપ એવો હોદ્દાનું માપ’ ભાજપનો નવતર પ્રયોગ: અર્જુન મોઢવાડિયા

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે સી.આર. પાટીલની નિમણુંકને ભાજપના રાજકીય દેવાળા તરીકે ગણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, સાડા છ કરોડ ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરી શકે તેવો કોઈ કાર્યકર ભાજપ પાસે નહોતો કે જેથી જેમની સામે એક સમયે ૧૦૭ જેટલા ગુનાઓ કોર્ટમાં નોંધાયેલા હતા અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે દારૂની હેરફેરમાં સંડોવણી ઉપરાંત ડાયમંડ જ્યુબીલી બેંક અને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લી. અને જી.આઈ.ડી.સી. ની જમીનોમાં કૌભાંડ કરનાર સી.આર. પાટીલની નિમણુંક કરવી પડી.

મોઢવાડિયાએ સી.આર. પાટીલની લોકસભા ૨૦૧૪ ની ચૂંટણીના ઉમેદવાર તરીકે રજુ કરેલ સોગંદનામાની નકલો રજુ કરતાં જણાવ્યું હતું કે, સી.આર. પાટીલે તેમના સોગંદનામાના નમુના નં. ૨૬ ના ભાગ- ખ થી પેરા ૧૧ (પેઈજ – ૨૫) ની કોલમ ૫માં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે કૌર્ટ બે વર્ષ કે તેથી વધારે કેદની જોગવાઈ પાત્ર ગુનાઓ માટે આરોપ ઘડ્યા હોય તેવા ગુનાની સંખ્યા ૧ છે અને કોર્ટે ગુનાની નોંધ લીધી હોય તેવા પડતર કેસોની સંખ્યા ૧૦૭ છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આટલા કેસો કોર્ટમાં નોંધાયેલા હોય તેવા પ્રદેશ પ્રમુખ દીવો લઈને શોધવા જઈએ તો પણ મળે નહીં તેવા ‘ઉજ્જવળ’ કારકીર્દી વાળા મહાનુભાવને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા અને ત્રણ વખત લોકસભાની ટીકીટ પણ આપી.

આ સિવાય પણ સી.આર. પાટીલની કારકીર્દી ખુબ જ ઉજ્જવળ રહી છે. મોદી સાહેબને રસ્તે ચાલીને તેઓએ અભ્યાસમાં પણ ઉજ્જવળ કારકીર્દી બનાવી હતી. તેઓ ધો-૧૧ માં ‘ઉંચા’ માર્કસ સાથે નાપાસ થયા હતા અને આઈ.ટી.આઈ. માં ટર્નરની ટ્રેનીંગ મેળવીને ૧૯૭૫માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા ગેરકાયદેસર દારૂની હેરફેરમાં તેઓની સંડોવણી બહાર આવતાં તેમની ધરપકડ કરીને તેઓને છ વર્ષ માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસ યુનિયનની રચના કરવાના પ્રયાસ સંદર્ભે તેઓને ફરીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ૧૯૯૫માં ઓકટ્રોય ચોરીનો કેસ પણ તેઓની સામે થયો હતો.

૨૦૦૨ની સાલમાં માધવપુરા બેંક સહિત ભારતીય જનતા પક્ષના આગેવાને એ સહકારી બેંકોનાં કૌભાંડો કરીને લગભગ ૭૦ જેટલી સહકારી બેંકોને ડુબાડી હતી. સુરતની ડાયમંડ જ્યુબીલી બેંકમાંથી રૂ. ૯૪ કરોડની લોન કૌભાંડને કારણે સી.આર. પાટીલની ધરપકડ કરીને તેઓને જેલમાં મોકલ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીએ સી.આર. પાટીલની ‘સેવાઓની’ નોંધ લઈને તેઓને ગુજરાત સરકાર ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ કુ.લી. ના ચેરમેન બનાવ્યા હતા તે દરમ્યાન સચીન સુરતમાં ૪૮ એકર જમીનમાં ૬૫ હજાર ફલેટ બનાવવાની વિવાદાસ્પદ યોજના બનાવી હતી. આ વિવાદ હજી પણ પૂર્ણ થયો નથી. ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમને રૂ. ૬ કરોડ આપીને ૬ એકર જમીન ૯૦ વર્ષના ભાડા પટે મેળવી હતી. પરંતુ બાકી રહેલા નાણાં ભર્યા વગર જ જમીનનો કબજો મેળવી લીધો હતો એવુ લોકમુખે ચર્ચાય છે.

ભાજપના વર્તમાન નેતાગીરીમાંથી રાજ્ય એકમના પ્રમુખ બનવા કઈ ‘ગુણવત્તા’ પરીપૂર્ણ ન કરી શક્યા કે જેથી સી.આર. પાટીલ જેવા જલગાવમાં ખેતીની જમીન ધરાવતા ‘બત્રીસ લક્ષણા’ ને પ્રદેશ પ્રમુખ બનાવવા પડ્યા તેની ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતા ચોખવટ કરે. એવું મોઢવાડિયાએ જણાવ્યું હોવાનું કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે