રાજ્યના 8 મહાનગરોના મેયર-કમિશનર-સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન સાથે વિડીયો કોન્ફરન્સ યોજી

હોટસ્પોટ જાહેર થયેલા વિસ્તારમાં લોકોનું સંપૂર્ણ સ્કીનીંગ સર્વેલન્સ હાથ ધરાયા: વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને પગલે આઠ મહાનગરોના મેયરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશ્નરો અને સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સ્થિતીની જાણકારી મેળવી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ મહાનગરોમાં જે વિસ્તારોમાં કોરોના સંક્રમિત વ્યકિતઓની સંખ્યા વધારે છે તેવા હોટસ્પોટ જાહેર થયેલા વિસ્તારમાં લોકોનું સંપૂર્ણ સ્કીનીંગ અને સર્વેલન્સ થાય તેવી સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

તેમણે કહ્યું કે, શાકમાર્કેટ, કરિયાણા સ્ટોર્સ જેવા સોશિયલ ગેધરીંગ વાળા સ્થળોએ લોકો ભેગા ના થાય તે માટે શહેરી સત્તાતંત્રો દ્વારા હોમ ડિલીવરી-ડોર ડીલીવરીનું વ્યવસ્થિત પ્લાનીંગ ગોઠવાય તો સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાશે અને લોકો પણ ઘરમાં જ રહેશે.

મુખ્યમંત્રીએ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં જ્યાં કોરોના પોઝિટીવ કેસ વધુ પ્રમાણમાં છે ત્યાંના સ્થાનિક તંત્રવાહકો સાથે તેમને હાથ ધરેલા સર્વેલન્સ, કવોરેન્ટાઇન ફેસેલીટઝ, સેનિટાઇઝેશન સહિતના પગલાંઓની ગહન ચર્ચાઓ કરી હતી.

મુખ્યમંત્રીએ મહાનગરોના મેયર-મ્યુનિસિપલ કમિશનર મળીને વધુમાં વધુ ૧૦ વ્યકિતઓનું ગૃપ બનાવી શહેરની સ્થિતીની સમીક્ષા તથા જરૂરી વ્યવસ્થાઓ-સૂચનો માટે નિયમીતપણે વિડીયો-ઓડિયો સંવાદ ટેકનોલોજીના ઉપયોગથી કરે તેવું પ્રેરક સૂચન કર્યુ હતું. વિજય રૂપાણીએ જણાવ્યું કે આરોગ્ય સેતુ એપ જે કેન્દ્ર સરકારે ડેવલપ કરી છે તે એપ પણ આવા શહેરી ક્ષેત્રના નાગરિકો બહોળી સંખ્યામાં ડાઉનલોડ કરે તેવી જાગૃતિ માટે મહાનગરપાલિકાના તંત્રએ સઘન પ્રયાસો કરવા જોઇએ.

આ એપને પરિણામે આપણી આસપાસના કોરોના સંક્રમિત કે લક્ષણો ધરાવતી વ્યકિત-વિસ્તારની માહિતી મોબાઇલમાં તૂરત જ આવી જતી હોવાથી તકેદારીના પગલાં સ્વયં લઇ શકાય છે. મુખ્યમંત્રીએ જે મહાનગરોએ મોબાઇલ કલીનીકની વ્યવસ્થાઓ ઊભી કરી છે તે મોબાઇલ કલીનીક શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જઇને સારવાર-સુશ્રુષા માટે ઉપયોગી બને તે અંગે પણ સૂચન કર્યુ હતું.

તેમણે સર્વેલન્સ કરવા જતા આરોગ્યકર્મીઓ ઉપર હુમલાની ઘટનાઓ સામે સરકાર કડકાઇથી પેશ આવશે તેવો નિર્દેશ આપવા સાથે જે-તે વિસ્તારના સ્થાનિક આગેવાનો સર્વેલન્સમાં હેલ્થ સ્ટાફ સાથે જોડાય તો સર્વેલન્સ સ્ટાફને સલામતિ અને સરળતા રહેશે તેવો અનુરોધ કર્યો હતો.

રૂપાણીએ મહાનગરોમાં વસતા નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય એકલવાયું જીવન જીવતા વ્યકિતઓ, શ્રમિકોને ભોજન-ફૂડ પેકેટસ પહોચાડવા સ્થાનિક સ્વૈચ્છિક સંગઠનો જાય છે તેના સ્થાને મહાપાલિકા દ્વારા કોઇ સેન્ટ્રલાઇઝડ વ્યવસ્થા થાય તે જોવાની પણ પ્રવર્તમાન સ્થિતીમાં તાકીદ કરી હતી.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી તેમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ આ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા.