ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આખી રાત જમાલપુરના મંદિરમાં વિતાવી

રથયાત્રા નહીં કાઢવા માટે કેટલાક સાધુઓ માનતા ન હતા પરંતુ પ્રદીપસિંહ સમજાવટથી સફળતા મેળવી

અમદાવાદની ઐતિહાસીક રથયાત્રા કાઢવા માટેની મંજૂરી લેવા ગુજરાત સરકારે ગઈકાલે હાઈકોર્ટના દ્વાર ખવડાવ્યા હતા. હાઈકોર્ટે તમામ પક્ષોની રજૂઆતને લંબાણથી સાંભળી હતી ત્યારબાદ મોડીરાત્રે બે વાગ્યે ચુકાદો આપ્યો હતો જેમાં સ્પષ્ટ આદેશ હતો કે લોકોના આરોગ્યના ભોગે રથયાત્રા કાઢવાની મંજૂરી આપી શકાય નહીં. રથયાત્રા મંદિર પરિસરમાં જ પડશે તેને બહાર કાઢી શકાશે નહીં.

બીજી બાજુ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગઈકાલ સાંજથી જ જમાલપુરના જગન્નાથ મંદિરમાં ધામા નાખ્યા હતા. તેઓ પણ હાઇકોર્ટ ચુકાદો આપે છે તેની રાહ જોઈને જગદીશ મંદિરમાં બેઠા હતા જોકે, ચુકાદાને પગલે મંદિરના ટ્રસ્ટીઓ અને સાધુ સંતોમાં નિરાશા ફેલાઇ હતી એક તબક્કે કેટલાક સાધુઓ અને મહંતે જીદે ભરાઈને રથયાત્રા કાઢવા માટેની મક્કમતા દર્શાવી હતી.

આ બાબતની જાણ થતા જ પ્રદિપસિંહ જાડેજાએ તાત્કાલિક તમામ સાધુ-સંતો અને સાથે બેઠક કરી હતી અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સમજાવ્યા હતા. આખરે બધાએ પ્રદિપસિંહની વાત સ્વીકારી હતી.

બે કલાકની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો ત્યારબાદ સવારે ચાર વાગ્યે મંગળા આરતી થઈ હતી. જેમાં પ્રદિપસિંહએ મંગળા આરતી કરી હતી મંગળા આરતી કર્યા બાદ ગૃહમંત્રી પોતાની ઘરે ગયા હતા તેઓ નાહી ધોઈને સાત વાગ્યે ફરીથી મંદિરમાં આવી ગયા હતા.

મુખ્યમંત્રી દ્વારા સોનાની સાવરણીથી રથની સફાઈ કરવા માટેની પહિંદ વિધિ કરાઇ હતી જેમાં પણ ગૃહમંત્રીએ ભાગ લીધો હતો આમ. ગઇકાલે આખો દિવસ અને આખી રાત ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથયાત્રાના સંદર્ભમાં તન-મનથી કામ કર્યું હતું અને શ્રદ્ધાળુઓ નિરાશ થાય તે પ્રકારનો ચુકાદો આવ્યો હોવા છતાં ગૃહમંત્રીએ બાજી સંભાળી લીધી હતી આ બાબતની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે પણ લીધી છે.