ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ભાજપ કઈ રીતે ઉજવણી કરશે?

14થી 20 સપ્ટેમ્બર સુધી ‘સેવા સપ્તાહ’ કાર્યક્રમ થકી જન્મદિવસની ઉજવણી કરાશે

પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આગામી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ ગુજરાતના પનોતા પુત્ર, દેશના લોકપ્રિય અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પ્રેરણાદાયી જીવનના ૭૦ વર્ષ પૂર્ણ કરી ૭૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સેવાના ભાવથી તેમના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લા-મહાનગવર-મંડલમાં ભાજપા કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ ભાજપાના ‘સેવા સપ્તાહ’ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર સુધી વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યો કરવામાં આવશે.

આ ‘સેવા સપ્તાહ’ કાર્યક્રમ અંતર્ગત ભાજપા કાર્યકર્તાઓ દ્વારા દરેક મંડલમાં ઓછામાં ઓછા ૭૦ દિવ્યાંગોને કૃત્રિમ અંગ અને સાધન સહાય, ૭૦ ગરીબ ભાઈ-બહેનોને આવશ્યકતા અનુસાર ચશ્માનું વિતરણ, દરેક જિલ્લા મહાનગરમાં ૭૦ સેવા વસ્તી તેમજ નોન કોવિડ હોસ્પિટલોમાં કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર ફળ વિતરણ સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવશે. પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારીની પરિસ્થિતિને અનુલક્ષીને સ્થાનિક સ્તરે કોવિડ ૧૯ થી પ્રભાવિત ૭૦ વ્યક્તિઓને આવશ્યકતાનુસાર હોસ્પિટલના માધ્યમથી પ્લાઝમા ડોનેટ કરાવવામાં આવશે તેમજ પ્રદેશ યુવા મોરચા દ્વારા ૭૦ સ્થળોએ રક્તદાન શિબિરો યોજવામાં આવશે.

પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે ભાજપા કાર્યકર્તાઓ દ્વારા પ્રત્યેક બુથમાં વૃક્ષારોપણ કાર્યક્રમ થકી ૭૦ વૃક્ષોનું વાવેતર તેમજ પ્રત્યેક ગ્રામ્ય જિલ્લાનાં ૭૦ ગામોમાં, જિલ્લા કેન્દ્રોમાં અને મહાનગરોમાં ૭૦ જાહેર સ્થળોએ સ્વચ્છતા કાર્ય કરી નરેન્દ્ર મોદી પ્રેરિત સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ અંગેનો સંકલ્પ લેવડાવાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી જીવન ઉપર આધારિત ૭૦ જેટલા વેબિનારનું પણ આયોજન કરવામાં આવશે.