ઇન્ફ્રાસ્ટ્રકચર- માળખાકીય સુવિધા વૃદ્ધિ માટે એક સાથે ૮ ટી.પી મંજૂર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

અમદાવાદ મહાનગરની ત્રણ ડ્રાફટ ટી.પી- 1 પ્રારંભીક ટી.પી – 1 ફાયનલ ટી.પી. મંજૂર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પંચસ્થંભના મહત્વપૂર્ણ એવા ઇન્ફ્રાસ્ટ્રકચર-આંતરમાળખાકીય સુવિધાઓનો રાજ્યના નગરો-મહાનગરોમાં વ્યાપ વિસ્તારી સુઆયોજિત વિકાસ માટે ત્વરિત અને પારદર્શી ઢબે ટાઉન પ્લાનીંગ સ્કીમ્સ મંજૂર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. રૂપાણીએ આ હેતુસર રાજ્યમાં વધુ ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરીઓ આપી છે.

મુખ્યમંત્રીએ અનલોક-૧ અંતર્ગત તા.૧લી જૂનથી રાજ્ય સરકારની કચેરીઓ, સચિવાલય સહિત વિભાગોની કચેરીઓ પૂન: શરૂ કરવા કરેલા નિર્ણયને પગલે તેમણે સ્વયં તા. ૧લી જૂને મુખ્યમંત્રી કાર્યાલયમાં પૂન: કાર્યારંભ કરીને કામકાજની શરૂઆત કરી હતી. રૂપાણીએ નવી ગતિ-નવી દિશા આવે તે માટે રાબેતા મુજબનું સરકારી કામકાજ શરૂ કરીને એક જ દિવસમાં આ આઠ ટાઉન પ્લાનીંગ સ્કીમને પરવાનગી આપી છે.

મંજુર કરેલ ટી.પી.સ્કીમોમાં અમદાવાદની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.૧૫૪ (સાંતેજ), નં.૧૨૩/એ (નરોડા), નં.૧૨૩/બી નરોડા અને પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ નં.૮૫ (વટવા-૫) તેમજ ફાયનલ ટી.પી.નં.૩ (રાણીપ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગોંડલ શહેરની ટી.પી. સ્કીમ નં.૧, સુરતની ટી.પી.સ્કીમ નં.૫૭ (ખરવાસા-એકલેરા) અને વડોદરાની ટી.પી. સ્કીમ નં.૧૭ (સૈયદ વાસણા) પણ મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરી છે.
ઔડા વિસ્તારની મંજુર કરાયેલી ડ્રાફ્ટ ટી.પી. ૧૫૪ (સાંતેજ)નો આશરે વિસ્તાર ૧૦૬ હેકટર્સ છે.

આ સ્કીમમાં સત્તામંડળને જાહેર હેતુ માટે ૧,૮૫,૮૦૦ ચો.મી.ના કુલ ૩૭ જેટલા પ્લોટ સંપ્રાપ્ત થશે જેમાં જાહેર સુવિધા, ખુલ્લી જગ્યા, બાગ બગીચા, સ્ટ્રીટ વેન્ડર્સ/હોકર્સ માટે તેમજ સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ સહિત આંતરમાળખાકીય સવલતો ઉભી કરવા વેચાણના હેતુના પ્લોટો પ્રાપ્ત થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ નરોડા વિસ્તારની આશરે ૧૦૦.૦૦ હેકટર્સની ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.૧૨૩/એ અને ૧૨૩/બી (નરોડા)ને પણ મંજુરી આપવામાં આવી છે.જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ પૂર્વ વિસ્તારની ટી.પી. સ્કીમ નં.૮૫ (વટવા-૫) મંજુર થતાં આશરે ૮૫.૦૦ હેકટર્સ વિસ્તારના આયોજનને આખરી ઓપ મળેલ છે.

એટલું જ નહિ, સુરત શહેરના નવા ૯૦.૦૦ મીટરના રીંગરોડના ઝડપી અમલીકરણના ભાગરૂપે લોકડાઉન પહેલાં જ તા.૨૦/૦૨/૨૦૨૦ના રોજ ટી.પી.ઓ દ્વારા જાહેર કરાયેલ પ્રારંભિક યોજનાને ત્રણ જ મહિનામાં આશરે ૧૭૧ હેકટર્સની સ્કીમને મંજુરી અપાયેલી છે. આ ટી.પી. મંજુર થતા સત્તામંડળના રસ્તા માટે આશરે ૩૬.૦૦ હેકટર્સ જમીન તથા જાહેર સુવિધા માટે ૬૨,૪૫૪ ચો.મી., ખુલ્લી જગ્યા/બાગબગીચા/પાર્કીંગ માટે ૬૩,૧૭૧ ચો.મી., આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે ૪૪,૨૧૫ ચો.મી. તથા વેચાણના હેતુ માટે આશરે ૧,૬૬,૮૬૩ ચો.મી. જમીન મળી કુલ ૩,૩૬,૭૦૩ ચો.મી.ના ચાલીસ પ્લોટો સત્તામંડળને સંપ્રાપ્ત થવાની છે.