અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પર હાઈકોર્ટે રોક લગાવી

અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. આ સ્થિતિ વચ્ચે અષાઢી બીજને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. રથયાત્રા અંગે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી અને આ અરજીની તાત્કાલિક સુનાવણી કરતા હાઈકોર્ટે આગામી 23 જૂને અમદાવાદમાં વિખ્યાત ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા પર રોક લગાવી દીધી છે જેને પગલે આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નહીં નીકળે.

આ અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા પરંતુ હજી સુધી બેઠકમાં રથયાત્રા નીકળશે કે નહીં તે અંગે હજી કોઈ ચૌક્કસ નિર્ણય રાજ્ય સરકાર દ્રારા લેવાયો નથી અને કહ્યું કે સરકાર રથયાત્રા કાઢવી કે નહીં અંગેનો નિર્ણય હાઈકોર્ટના નિર્ણય બાદ કરશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રા નીકાળવાની પરવાનગી ન આપવા અંગે ગુજરાત હાઈકોર્ટમાં પણ જાહેરહિતની અરજી કરાઈ હતી અને અરજીમાં રજૂઆત કરી હતી કે, જો રથયાત્રાની મંજૂરી અપાશે તો અમદાવાદમાં કોરોના વાયરસની સ્થિતિ વધુ ભયજનક બનશે. તે ઉપરાંત ઓડિશાના પુરીમાં યોજાતી વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથ રથયાત્રા કાઢવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે.